Vadodara

વડોદરા : ટ્રેનમાંથી રૂ.18.45 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી કરનાર મહિલા અને પુરુષ ઝડપાયા



વડોદરા તારીખ 8
તાજેતરમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાની ઉંઘનો લાભ લઈને રૂપિયા 18.45 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરનાર મહિલા અને પુરુષને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે.
પશ્ચિમ રેલવેમાં અલગ અલગ ટ્રેનમાં લાખો પેસેન્જર મુસાફરી કરતા હોય છે. જેમાં ઘણા મુસાફરો ટ્રેનમાં ઊંઘી જતા હોય છે. જેનો લાભ લઈને ચોર ગઠીયા તેમની પાસે મુકેલા દાગીના ભરેલા બેગ અને મોબાઈલ સહિતના સામાનની ચાલાકીપૂર્વક ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. ચોરોએ ટ્રેનમાં આતંક બચાવી મૂક્યો છે. તાજેતરમાં પણ 27 ફેબ્રુઆરીના રોજ મહિલાની ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમની આખ લાગી જતા ગઠીયા તેમના સોના ચાંદીના દાગીના સહિત ₹18.45 લાખની મતા ભરેલા લેડીઝ પર્સની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેની મહિલાએ વડોદરા રેલ્વે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજકુમારી દ્વારા આ ચોર ટોળકીને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના આધારે
રેલ્વે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ચોરીને અંજામ આપતા ગઠિયાઓની શોધખોળ કરવા માટે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી મહિલા અને પુરુષને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની અંગઝડતી કરવામાં આવતા તેમની પાસેથી સોનાનું મંગળસુત્ર, ચેઇન, બ્રેસલેટ, બંગડી, અંગુઠીઓ તથા એક મોબાઈલ મળી આવ્યો હતો. બંને પાસે તમામ દાગીનાઓના આધાર પુરાવાની માંગણી કરતા તેઓ રજુ કરી શક્યા ન હતા. દરમિયાન તેમની પૂછપરછ કરતા તેઓએ 27 ફેબ્રુઆરીના રોજ તીરૂચાપલ્લી સ્પેશ્યલ એક્સ ટ્રેનમાં મહિલાની ઊંઘનો લાભ લઈને દાગીના ભરેલી બેગની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી એલસીબીએ વિષ્ણુ રામા કંકોડીયા ( રહે. હાલ. તાપી નદીના ઉત્તર તરફ આવેલ માનસરોવર બિલ્ડીંગ સામે આવેલા ઓવરબ્રિજ નીચે ફુટપાથ ઉપર અમરોલી સુરત, મુળ.ગામ. છાપી તા.વડગામ જી.બનાસકાંઠા) અને બરખા ઉર્ફે વર્ષા રણજીત દંતાણી (હાલ. નારાયણનગર વાસણા રોડ અમદાવાદ. મુળ. રહે. ગોધાઇગામ તા.ધોળકા જી.અમદાવાદ) ની ધરપકડ કરી હતી. બંને પાસેથી ₹18.45 લાખની માલમતા કબજે લઈને આગળની કાર્યવાહી માટે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top