વડોદરા તારીખ 21
વડોદરા શહેરમાં મોડીફાઇ સાઇલેન્સર લગાવી ફરતા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઈક અને બૂલેટ ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેન કરાયા હતા. ત્યારે આ 108 મોડીફાઇ સાઇલેન્સર કાઢીને તેના પર બુલડોઝર ફેરવી નાશ કરી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં બાઈક તથા બૂલેટમાં મોડીફાઇ સાઇલેન્સર લગાવીને ચાલકો ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે. ઉપરાંત આ ટુ વ્હીલર ચાલકો પોતાના બુલેટ સહિતના ટુ વ્હીલર ઓવર સ્પીડમાં દોડાવીને લોકો સામે જોખમ ઊભું કરતા હોય છે. મોડીફાઇ સાઇલેન્સર પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ તેને બાઇકમાં લગાવીને વાહન ચાલકો દ્વારા જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી આવા જાહેરનામા ભંગના ગુના કરનાર ચાલકો વિરુદ્ધ ઝુંબેશ રૂપી કાર્યવાહી શરૂ કરાઈ હતી અને બુલેટ તેમજ બાઈક કે જેમાં મોડીફાઇ સાઇલેન્સર લગાવ્યા હોય તેમને ઉભા રખાવી વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાઈકમાંથી સાઇલેન્સર કઢાવીને તેને એફએસએલમાં પણ મોકલી ચકાસણી કરાવાઈ હતી. આજે 21 એપ્રિલના રોજ ટ્રાફિકની પશ્ચિમ કચેરી ખાતે એસીપી ડી એમ વ્યાસની હાજરીમાં 108 જેટલા સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં પણ મોડીફાઇ સાઇલેન્સર લગાવીને ફરતા ટુ-વ્હીલર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી યથાવત રીતે કરવામાં આવશે.