પ્રતિનિધિ વડોદરા તા.4
વડોદરાના સમા વિસ્તારમાં એબેક્સ સર્કલ ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલને બેફામ રીતે કાર ચલાવી અડફેટે લીધા બાદ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક પોલીસના કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોના વાહનચાલકો સરેઆમ ભંગ કરવામાં આવતો હોય છે. જેના કારણે ક્યારે નિર્દોષ વાહનચાલકોનો ભોગ લેવાઇ જતો હોય છે. બીજી તરફ ઘણીવાર બુટલેગર સહિતના આરોપીઓ દ્વારા પોલીસ પર વાહન ચડાવી કચડવાનો પ્રયાસ કરાયો હોવાના પણ બનાવો બન્યા છે. ત્યારે વધુ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જેમાં એવી વિગત છે હે.કો.અજીતસિંહ ઉદેસિંહ 4 ડિસેમ્બરના રોજ સવારના સવા દસ વાગ્યાના અરસામાં સમા ટી પોઇન્ટ (એબેકસ) સર્કલ અમીતનગર તરફ જવાના રોડ ઉપર ફરજ બજાવતા હતા. તે દરમિયાન દુમાડ ચોકડી તરફથી અમિતનગર કાર ચાલક તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન ટ્રાફિકનો સિગ્નલ બંધ હોય તેમ છતાં આ કાર ચાલકો સિગ્નલ તોડી ગાડી દોડાવી ફરજ ઉપર ઉભેલા ટ્રાફિક પોલીસ જવાનને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. જેમાં ટ્રાફિક પોલીસ જવાનને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક અકસ્માત કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે સમા પોલીસ સ્ટેશનમાં ગફલતભરી અને બેફામ રીતે કાર ચલાવી અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દ્વારા સીસીટીવી ફુટેજ પર ચેક કરાયેલા કારના નંબરના આધારે ચાલક વેમાલી ખાતે રહેતા અર્પિત પટેલની તેના ઘરેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.