બાઈક પર આગળ બેગ હાથમાં મોબાઈલ,બેલેન્સ બગડ્યું :
બાજુમાંથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો :
વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા સીટબેલ્ટ હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ખાસ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. જેમાં નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરાતી હોય છે. ત્યારે એક ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ બાઇક પર ફોન પર વાત કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
માર્ગ સલામતી મામલે ફરી એક વખત કોર્ટના આદેશ અનુસાર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવિંગ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રાજમાર્ગો પર ચાર રસ્તા પર અધિકારીઓ સહિત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરી હેલ્મેટ સીટબેલ્ટ સહિત ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ નીતિ નિયમોનો ભંગ કરતા જણાઈ આવે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે વડોદરા શહેરના માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિરથી અવધૂત ફાટક તરફ જઈ રહેલા માર્ગ ઉપર વર્દીમાં સજ્જ ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ બાઈક પર ફોન પર વાત કરતા કરતા જઈ રહ્યા હતા. બાઈક પર પેટ્રોલની ટાંકી ઉપર આગળ બેગ પણ મૂકી હતી. આ દરમિયાન તેમનું બેલેન્સ પણ બગડ્યું હતું. જો કે સદનસીબે સ્ટેરીંગ પર કાબુ મેળવી લીધો હતો. નહીં તો આ ટ્રાફિક પોલીસ કર્મચારી ની બાઈક સ્લીપ ખાય જાત, આ તમામ દ્રશ્યો બાજુમાં પસાર થઈ રહેલા એક અન્ય વાહન ચાલેકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે નીતિ નિયમો અને કાયદાનો પાઠ ભણાવતી આ ટ્રાફિક પોલીસ કર્મચારી સામે નીતિ નિયમોના ભંગ બદલ કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.