વડોદરા તારીખ 25
વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતી અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરતી એજન્ટ મહિલાને વિયેતનામ અને દુબઈના ટુર પેકેજ આપવાના બહાને રૂપિયા 1.95 કરોડ પડાવી તેમની સાથે ઠગાઇ કરવામાં આવી હતી. મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ નું લોકેશન મેળવતા મહારાષ્ટ્રના પુણે ખાતેનું મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ ની ટીમ પુણે ખાતે રવાના થઈ હતી અને કુરિયર બોયનો પહેરવેશ ધારણ કરીને ઠગ ગેંગના માસ્ટર માઇંડ ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. વડોદરા લાવ્યા બાદ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે.
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલા કવિતાબેન રાચ્છ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. દરમિયાન આ બિઝનેસ વુમેનના મેલ પર અજાણ્યા ઇમેઇલ આઇડી તરફથી ટ્રાવેલિંગ એજંસીમાથી મેઇલ આવ્યો હતો. ત્યારબાદ ભેજાબાજોએ ટુર પેકેજનું કામ તેમની કંપની કરે છે અને તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં આવેલી હોવાનું જણાવ્યું હતું. આ ઠગોએ મહિલાના ગ્રાહકોને શરૂઆતમાં અલગ અલગ ટુરના પેકેજ વ્હોટસ એપ મારફતે મોકલી આપી ટિકિટો બુક કરી મહિલાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મહિલાના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઇ માટેના ટુર પેકેજ બુક કરી ટિકિટો મોકલી હતી. મહિલા સહિતના ગ્રાહકો એરપોર્ટ પર જતા આ ટિકિટો નકલી હોવાનું કહ્યું હતું. વિયેતનામ અને દુબઈના ટુર પેકેજ આપવાના બહાને રૂ.1.95 લાખની નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે આરોપીનું લોકેશન મહારાષ્ટ્રના પુણે ખાતેનું હોવાનું મળી આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ પોલીસ ની ટીમ પુણે ખાતે રવાના થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીને પકડવા માટે કુરિયર બોયનો પહેરવેશ ધારણ કરીને આરોપીની રેકી કરી રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ગેંગના સાગરીત શૈલેષ શરણપ્પા બિદવે ને પુણે માંથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ આરોપી અલગ અલગ દેશોની ફલાઈટ અને હોટલ બુકીંગ માટેની ડુપ્લીકેટ ટિકિટ તથા પેકેજ બનાવી લોકોને ઠગતો હતો.