Vadodara

વડોદરા : ઝેરી વાયુ ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ,તંત્ર ક્યારે જાગશે ?

પંચાયતે વુડાને આપેલા ડોર ટૂ ડોરના કોન્ટ્રાકટરની બેદરકારી

સ્થાનિક રહીશે આપ્યું બે દિવસનું અલ્ટીમેટમ, ઉગ્ર આંદોલન કરાશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કચરો સળગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉત્પન્ન થતા ઝેરી વાયુથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેતા સ્થાનિક રહિશે પંચાયતને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ અંગે કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. એક દિવસ પૂર્વે કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી સ્થાનિક લોકોને ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં ઇન્દિરા નગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કચરો સળગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અહીંથી કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી. ડોર ટુ ડોરના કર્મચારીઓ પણ આશરે 10 થી 15 દિવસે કચરો લઈ જતા હોય છે, અને છેલ્લા ઘણા દિવસોથી તો અહીંયા કચરો સળગાવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે. હાલ કચરાના નિરાકરણ માટે પંચાયતે વુડાને કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ટુ ડોરના કર્મચારીઓ અહીંયા જ કચરાને સળગાવતા હોય છે. જેના કારણે ઝેરી વાયુ ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

દશરથ ગામમાં રહેતા હિતેન મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવ્યો છે નજીકમાં જ રહેણાંક વિસ્તાર આવેલો છે. આશરે 10 હજાર કરતા વધુ લોકો રહે છે, તેમ છતાં પણ પંચાયતના પેટનું પાણી હલતું નથી. ડોર ટુ ડોરનો વુડાને કોન્ટ્રાકટ આપેલો છે. જેને પણ વારંવાર રજૂઆત કરી છે. તેના કોન્ટેક્ટરોને પણ રજૂઆત કરી છે કે તમે જે અહીંયા કચરો નાખો છો હાલમાં રોડ ઉપર પણ કચરો આવી ગયો છે. પાછળ જે ઢોરો આ કચરો ખાઈ રહી છે. તો તેમાં પડેલું પ્લાસ્ટિક ઢોરોના પેટમાં જશે તો ઢોરોને ફૂડ પોઈઝન થશે. અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે, અહીંયાથી કચરો સાફ-સફાઈ કરવામાં આવે. પરંતુ આજ દિન સુધી આની પર કોઈ કાર્યવાહી કરી નથી ના પંચાયતે કોઈ કાર્યવાહી કરી છે. દરરોજ રાત્રે આ કચરાને બાળવામાં આવે છે અને તેના કારણે ઝેરી વાયુ ઉત્પન્ન થતા આસપાસના ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હું છેલ્લા બે દિવસનું અલ્ટીમેટમ આપું છુ ગ્રામ પંચાયતને અને વુડાને કે સાફ કરવામાં આવે અથવા આ જગ્યા બીજે ક્યાંક શિફ્ટ કરવામાં આવે. આ દરરોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના પછી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top