અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર મૂકાયો,પીઆઈ પણ બંદોબસ્તમાં,
ત્રીજા દિવસે પોળ પોલીસ છાવણીમાં શાંતિપૂર્ણ માહોલ જળવાયો, સ્થાનિકો પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે : ડીસીપી
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરાના કોઠી પોળ-જોગી વિઠ્ઠલદાસની પોળમાં સોમવારે કાચની બોટલ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઇ હતી. સતત બે દિવસ બોટલ અને પથ્થર ફેંકાયાની ઘટના બનતા આવતા પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો. પોલીસ દ્વારા ખાસ ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યો છે. જેને પગલે ત્રીજા દિવસે શાંતિપૂર્ણ માહોલ જળવાયો અને સ્થાનિકો પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા હોવાનું ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું.
વડોદરાના કોઠી પોળ-જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં કાચની બોટલ ફેંકીને અટકચાળું કરવામાં આવ્યું હોવાનું સપાટી પર આવતા પોલીસ દોડતી થઇ હતી. બે દિવસ ચાલેલી ઘટના બાદ ત્રીજા દિવસે બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવતા શાંતિ હતી. પોલીસે ધાબા પોઇન્ટ પર પોલીસ જવાનોની તૈનાતી કરી છે. ધાબા પર ટોર્ચ લાઇટ સાથે તેઓ નજર રાખી રહ્યા છે. સાથે જ ડીસીપીની હાજરીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકો સુરક્ષિત અનુભવી રહ્યા છે.
ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સોમવાર-મંગવારે વિસ્તારમાં બોટલ ફેંકવામાં આવી હોવાના મેસેજ આવ્યા હતા. જેના અનુસંધાને અમે વિસ્તારમાં કોબિંગ કર્યું હતું. અને આજે બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસના ધાબા પોઇન્ટ મુકવામાં આવ્યા છે. સાથે પીઆઇ કક્ષા સહિત વધારાના પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. તથા એસઆરપી બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.
લોકોએ જણાવ્યું કે, હવે તેમને કોઇ ચિંતા નથી. કોઇ બનાવ આજે બન્યો નથી. તે લોકો સુરક્ષાને લઇને આશ્વસ્થ છે. એસઓજીની ટીમો દ્વારા આજુબાજુમાં રહેતા લોકો વિશે જાણ્યું છે. કોણ રહે છે, શું કામ કરે છે, કયા પ્રકારે વ્યવસાય છે, સહિતના સવાલોના જવાબો મેળવીને પ્રોફાઇલીંગ કર્યું છે. જેથી કરીને ભવિષ્યમાં યોગ્ય પગલાં લેવામાં ફાવે. પોલીસે કોબિંગ કરવાની સાથે ધાબા ચેક કર્યા છે. આજુબાજુમાં રહેલા પથ્થરો દુર કરવામાં આવ્યા છે. ધાબા પોઇન્ટ પર જવાનોને ટોર્ચ લાઇટ સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જવાનો બોડીવોર્ન કેમેરાથી સજ્જ છે. હાલ તો છેલ્લા ત્રણ દિવસથી જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાંકરી ચાળાની ઘટનાને લઇ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને પણ રાત્રી ઉજાગર કરવા પડી રહ્યા છે.