Vadodara

વડોદરા જેલમાં NDPSના ગુનાના કેદીને છાતીમાં દુખાવો થયા બાદ મોત



વડોદરાની મધ્યસ્થ જેલમાં નર્મદા જિલ્લાના એક પાકા કામનો કેદી NDPS એક્ટ હેઠળના ગુનામાં સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે. આ બનાવને લઈ કેદીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ લાલસિંગભાઈ સેગજીભાઈ વસાવા (રહે, દેવસાકી ફળિયું, તાલુકો- સાગબારા, નર્મદા)ને સાગબારા પોલીસે વર્ષ 2020માં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાતાં વર્ષ 2023માં 10 વર્ષની કેદની સજા થઈ હતી બાદમાં કેદીને રાજપીપળા જિલ્લા જેલ ખાતેથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીને ગત રોજ અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો. બાદમાં આ કેદીને જેલ ગાર્ડ સાથે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેડિસન વિભાગ બી યુનિટમાં સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આજે ફરજ પરના તબીબે કેદીને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસે પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે જેલ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાબતે કેદીને છાતીમાં દુઃખતું હોવાથી સ્થાનિક તબીબ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ કેદીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કેદીનું મોત નીપજ્યું છે. આ બાબતે પરિવારને જાણ કરાઇ છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top