4 જણાએ ઝઘડો કરી ચાકુના ઘા ઝીંક્યા

વડોદરા તારીખ 16
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડીયાર નગરનો ગૌરવ હરે રામસિંગ 15 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મળવા માટે આવ્યો હતો. તે દરમીયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા અસામાજિક તત્વો સવાદ કવાટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારા મારી કરી હતી. ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. દરમિયાન સવાદ કવાટર્સમાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે આ હુમલાખોરો ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને ઘટના બાબતે જાણ થતાં તેઓ એસએસજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર હુમલાખોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલાખોર સંકેત રાજ ઉર્ફે કાછિયો, સુમિત મકવાણા, મિતેશ શર્મા અને વિશાલ ઉર્ફે ખારીએ હુમલો કર્યો હતો અને આ આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.