ગોરવા-કરોડિયા રોડના યુવકે પોલીસમાં અરજી આપી છતાં કાર્યવાહી ન થવાનો આક્ષેપ
ઉત્તરાયણના દિવસે બેઝબોલની સ્ટીકથી ઢોર માર, આરોપીઓએ અગાઉ જેલ ગયા હોવાનું કહી હુમલો કર્યો

(પ્રતિનિધિ), વડોદરા, તા. 17
વડોદરા શહેરના ગોરવા-કરોડિયા રોડ પર આવેલી જય નારાયણ નગર સોસાયટીમાં રહેતા એક યુવક પર જૂની અદાવત રાખીને ભાજપના કાર્યકર્તા સહિત ચાર શખ્સોએ બેફામ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવી ફરિયાદ તેણે કરી છે.


ગોરવા-કરોડિયા રોડ પર રહેતા આયુષભાઈ વિનોદભાઈ રાજપૂતના પિતરાઈ ભાઈ સાથે અગાઉ નિકુલ ચૌહાણ, શનિ ચિત્તે, ગણેશ અને નિલેશ નામના ચાર વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હતો. આ બાબતે પિતરાઈ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ માટે આવી ત્યારે આયુષ રાજપૂતે ઝઘડો કરનારાઓનું સરનામું બતાવ્યું હતું, જેથી પોલીસ આરોપીઓને લઈ ગઈ હતી.
આ ઘટના બાદ 14 જાન્યુઆરીના રોજ આયુષ રાજપૂત ચિત્રકૂટ સોસાયટીમાં પોતાના મિત્રના ઘરે ઉત્તરાયણ ઉજવવા ગયો હતો. તે દરમિયાન ત્યાં રહેતા નિકુલ ચૌહાણ, શનિ ચિત્તે, ગણેશ અને નિલેશે તેને જોઈ લીધો હતો. યુવક મિત્રના ઘરે જવા માટે બેઠો હતો, ત્યારે ચારેય શખ્સો ત્યાં પહોંચી ગયા હતા અને “તું અમને જેલમાં પુરાવ્યા છે” કહી ગાળો આપી હુમલો કર્યો હતો. ચારેયએ ભેગા મળીને યુવકને બેઝબોલની સ્ટીક વડે ઢોર માર માર્યો હતો.
આ હુમલા બાદ આયુષ રાજપૂતે 14 જાન્યુઆરીના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં ચારેય હુમલાખોરો સામે લેખિત અરજી આપી હતી. જોકે, 72 કલાકથી વધુ સમય પસાર થવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એવો આક્ષેપ યુવકે કર્યો છે.
*પોલીસ સ્ટેશનમાં જ ભાજપના કાર્યકર્તા દ્વારા ધમકી આપ્યાનો આક્ષેપ
આયુષ રાજપૂતે જણાવ્યું હતું કે જૂની અદાવત રાખીને શનિ ચિત્તે, નિકુલ ચૌહાણ, ગણેશ અને નિલેશે બેઝબોલની સ્ટીક વડે તેની પર ઢોર માર માર્યો હતો. વધુમાં તેણે આક્ષેપ કર્યો કે ગોરવા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં પોલીસની હાજરીમાં પ્રતિક સોની નામના ભાજપના કાર્યકર્તાએ તેને વધુ મારવાની ધમકી આપી હતી. હુમલાખોરોમાંથી પ્રતિક સોની અને નિકુલ ચૌહાણ ભાજપના કાર્યકર્તા હોવાથી મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ યુવકે આક્ષેપ કર્યો છે
* યુવકના તમામ આક્ષેપ ખોટા – પીઆઇ
ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરીટ લાઠિયાએ જણાવ્યું હતું કે આ મામલે તમામ આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આયુષ રાજપૂત અને તેના જૂથ સામે પણ સામાવાળા પક્ષ દ્વારા અરજી આપવામાં આવી છે. યુવકે કરેલા તમામ આક્ષેપ ખોટા હોવાનું તેમણે જણાવ્યું હતું.