પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાના માથામાં પણ ધારીયાનો ઘા કર્યો, હવે સુધરી જજે નહી તો તને-તારા કુટુંબને મારી નાખીશ તેવી ધમકી, માતા અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો
પ્રતિનિધિ વડોદરા તા.22
કરજણના જુની શાયર ગામે તુ મારી પત્નીને કેમ જોયા કરે છે તેમ કહી ખેડૂત સાથે યુવક અને તેની માતાએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઇને ખેડૂત તથા તેના માતા પર ધારિયાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તુ હવે સુધરી જજે નહી તો તને તથા તારા કુટુંબને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે કરજણ સરકારી દવાખાના બાદ એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે હુમલાખોર માતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.
કરજણ તાલુકાના જુની શાયર ગામે રહેતા ભાવિકભાઈ ઉર્ફે ભાવેશ જયંતીભાઈ માછીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 21 સપ્ટેમ્બરના રોજ ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેડવા ગયો હતો. થોડીવાર ખેતરમાંથી ટ્રેક્ટર લઇને બહાર નીકળ્યો હતો. ત્યારે અમારા ગામનો હિતેશ ભરત માછી ત્યાં ઉભો હતો. પરંતુ હુ ટ્રેક્ટર ચલાવી ઘર તરફ જવા નીકળી ગયો હતો ત્યારે હિતેશ માછી તેનું બાઇક લઇને મારા ટ્રેક્ટરની આગળ ઉભુ રખાવતા હુ નીચે ઉતર્યો હતો ત્યારે તેણે મને કહ્યું હતું કે તુ મારી પત્નીને કેમ જોયા કરે છે તેમ કહી મારી ફેટ પકડી લીધી હતી અને હવે પછી તુ મારી પત્નીની સામે સામે જોઈશ તો તેને જીવતો નહીં છોડુ તેવી ધમકી આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે તેણે તું ગામમાં આવ તને જોઈ લઈ જઈશ તેમ કહી નીકળી ગયો હતો. દરમિયાન સાંજના હુ ઘરે હતો ત્યારે હિતેશ હાથમાં ધારીયુ લઈને તેની મમ્મી લખીબેન માછી સાથે ધસી આવ્યો હતો અને ગાળો આપતા હતા. જેથી અમે તેમને ગાળો નહી બોલવાનું કહેતા લખીબેન માછી મારા મમ્મી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. હુ મારા મમ્મીને છોડાવવા વચ્ચે જતા હિતેશ માછીએ ઉશ્કેરાઈ જઈને ધારીયાથી મારા પર હુમલો કર્યો હતો. દરમિયાન મારી મમ્મી વચ્ચે આવી જતા તેમના માથાના ભાગે ધારિયાનો ઘા વાગી ગયો હતો. જેથી મારા મમ્મી લોહાલુહાણ થઇ નીચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ હિતેશ માછીએ ફરીવાર ધારીયાનો મારા પર ઘા કર્યો હતો. અમે બુમાબુમ કરતા હિતેશ માછી ભાગી ગયો હતો પરંતુ જતા જતા ધમકી આપી હતી કે આજે તો તુ બચી ગયો પણ હવે પછી મારી પત્ની સામે જોઈશ કે તેનું નામ લઈશ તો તને જીવતો નહી છોડુ. અગાઉ પણ તુ મારી પત્ની ઉપર ખરાબ નજર રાખતો હતો અને તું હજુ પણ સુધરતો નથી પણ હવે તું સુધરી જજે નહીં તો હવે પછી તને અને તારા કુટુંબના સભ્યોને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મને તથા મારી માતાના ઇજાઓ પહોંચી હોય કરજણ દવાખાના બાદ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખેસડાયા હતા. કરજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે હુમલાખોર હિતેશ માછી તથા તેની માતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.