ખોડિયારનગર અને બરાનપુરા વિસ્તારમાં ત્રણ મોબાઇલની દુકાનમાં એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાયુ
પોલીસના ચેકિંગને લઈને અન્ય મોબાઈલની દુકાન ધરાવતા વેપારીઓમાં ફફડાટ
વડોદરા તા.19
હરણી વિસ્તારમાં આવેલા જય આપેશ્વર મોબાઈલ ટેલિકોમ , ભવાની મોબાઇલ તથા પટેલ મોબાઈલ નામની દુકાનમાં જુના મોબાઇલ ખરીદ-વેચાણ કરવા બદલ ગ્રાહકોની માહીતીનું નિયમ મુજબ રજીસ્ટર મેન્ટેન રાખવામાં આવતું ન હતું. જેથી એસઓજી પોલીસ દ્વારા 3 દુકાન માલિક વિરૂધ્ધ ગુનો નોધી તેમની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આગામી તહેવાર દરમિયાન શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે ઉપરાંત શહેરમાં આતંકવાદી, અસામાજિક તત્વો બહારથી આવી શહેર વિસ્તારમાં આશરો મેળવ્યા બાદ ગુનાઓ આચરી નાસી ન છુટે ઉપરાંત ગુનાહિત કામગીરીમાં આરોપીઓ એકબીજાના સંપર્ક માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું એક એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું. ઘણી વખત દુકાનદારો અજાણ્યા શખ્સો પાસેથી મોબાઇલ ખરીદ કરી વેચાણ અર્થે લેતા હોય છે. જેથી જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની નોંધણી માટેનું રજીસ્ટર મેન્ટેન ન કરતા હોય તેવા શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પીઆઈ એસ.ડી.રાતડાએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં ચેકિંગની કામગીરી શરૂ કરાઈ હતી. દરમ્યાન ન્યુ વીઆઇપી રોડ, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે જય આપેશ્વર મોબાઇલ ટેલિકોમ, પટેલ મોબાઈલ તથા બરાનપુરા વિસ્તારમાં આવેલી ભવાની મોબાઇલની દુકાનમાં ચેકીંગ કરતા દુકાનના માલિક હાજર મળી આવ્યા હતા. તેઓએ જુના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ માટેનું રજીસ્ટર નિભાવ્યુ છે કે કેમ તે બાબતે ચકાસણી કરતા માલીકે તેમની દુકાનમાં જુના મોબાઇલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે આવતા ગ્રાહકોના નામ સરનામાં તથા આધાર પુરાવાની માહીતીનું નિયમ મુજબના રજીસ્ટર મેન્ટેન કર્યું ન હતું. જેથી એસઓજીએ રમેશ કેશા રબારી, મહેન્દ્રકમાર રાણારામજી માલી તથા પારછારામ પદમારામ ચૌધરીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.