સાવલી તાલુકાના કનોડા પોઇચા માટે ₹15લાખની એમ્બ્યુલન્સ તથા વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા માટે ₹9.5લાખની કિંમતની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે
ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ થશે ખાસ કરીને પ્રસૃતા મહિલાઓ માટે વિશેષ કરીને લાભ થશે.
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચના ગ્રાન્ટ માંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિત પૂર્વ પ્રમુખ અશોકભાઇ પટેલ, સદસ્ય કલ્પનાબેન સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુમકુમ અક્ષત સાથે પૂજન કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી બતાવી બંને એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સોના ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરા ના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવી આ એમ્બ્યુલન્સની કિંમત અને તેની આરોગ્ય કેન્દ્ર પર ફાળવણી અંગેની વિગત મીડિયા સમક્ષ આપી હતી.
જેમાં જણાવ્યું હતું કે, એક એમ્બ્યુલન્સ સાવલી તાલુકાના કનોડા-પોઇચા માટે ફાળવવામાં આવી છે જેની કિંમત ₹15લાખ છે જ્યારે બીજી એમ્બ્યુલન્સ વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા માટે ₹ 9.5લાખની કિંમતની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે આ બંન્ને એમ્બુલન્સમા તમામ જરૂરી સુવિધાઓ, સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ થશે ખાસ કરીને સગર્ભા બહેનોને જે અસુવિધા ઉઠાવવી પડતી હતી તે હવે આ એમ્બુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી હવે સરળતા રહેશે.