NSUIની વિરોધ પ્રદર્શન સાથે યુનિવર્સીટીના રજિસ્ટારને રજૂઆત
જીકાસ કમિટી સાથે બેઠક કરી વિદ્યાર્થીઓના હીતમાં યોગ્ય નિર્ણય લેવા રજીસ્ટારે ખાતરી આપી

( પ્રતિનિધી )વડોદરા,તા.6
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હજી પણ બેઠકો ખાલી હોવાથી GCAS નું રજીસ્ટ્રેશન ફરી વાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સીટીના રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણથી સાડાત્રણ મહિના ઉપરાંત પ્રવેશની પ્રક્રિયા ચાલી હતી. પરંતુ હજુ સુધી યુનિવર્સિટીમાં ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી પડી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે. જેઓને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે. પરંતુ, તેઓ જીકાસના કંકાસને કારણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શક્યા નથી. આ અંગે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, જીકાસની રજિસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં જવા લાગ્યા છે અને આજે આપણી યુનિવર્સિટીની બેઠકો ખાલી છે. જયારે એક સમયની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યાં વિદ્યાર્થીઓ એડમિસન લેવા માટે પડા પડી કરતા હોય ત્યાં આજે યુનિવર્સિટીમાં બેઠકો ખાલી રહેવા માંડી છે અને ખાલી જે બેઠકો છે. ત્યાં યુનિવર્સિટી જીકાસના કારણે એડમિશન અપાઇ રહ્યું નથી. જેથી જીકાસ પર જલ્દી થી નવા વિદ્યાર્થીઓ માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે. જેથી બાકી વધેલી સીટ ઉપર વિદ્યાર્થીઓ એડમિસન લઈને અભ્યાસ કરી શકે તે માટે યુનિવર્સીટીના રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ અંગે રજિસ્ટ્રારે જીકાસ કમિટી સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લાવવા બાંહેધરી આપી હતી.