ભાજપના ઉમેદવારને જિતાડશો તો મકાન તૂટવા નહીં દઉં
વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે સભા સ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે.
સતીષ પટેલે કહ્યું હતું કે, ભાજપના ચારેય ઉમેદવારોને જિતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં. તો બીજી તરફ કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કહ્યું હતું કે, કરજણની મહંમદ નગરીને “રામ નગરી” બનાવીશું. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ ( નિશાળિયા ) એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોને મત નહિ આપો અને દગો કર્યો તો મકાનો તોડી પાડીશું. અને જો ભાજપને મત આપશો તો મકાનો બચી જશે. તેવી મતદારોને ધમકી આપતાં તેમણે વધુમાં મહંમદ યુસુફ સિંધી “મહંમદ નગર”ના 512 મકાનોમાંથી 100 મકાનોનું ભાડૂં ઉઘરાવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.વધુમાં સતીષ પટેલે કહ્યં હતું કે, મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને આકા સમજી રહ્યો છે. અને ગરીબો ઉપર દાદાગીરી કરી રહ્યો છે. તે કહે છે કે ચૂંટણી જીત્યા પછી અમે ભાજપમાં જવાના છે. પરંતુ ભાજપ તેમને ક્યારેય પાછા લેશે નહીં., બ્રિજ નીચેની ગેરકાયદે જગ્યા પચાવી પાડી હતી. જે પરત લઇ લીધી છે. રૂપિયા 1.86 લાખની વીજચોરીનું બિલ આપવામાં આવ્યું છે. ભાજપના નામે ગરીબોને લૂંટવાનું તેણે કામ કર્યું છે. પરંતુ, હવે આ રાવણરૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે. ચૂંટણીમાં મતદારો તમે તેને ઘરભેગો કરો પછી અમે રાવણરૂપી મહંમદનો વધ કરીશું. ડર્યા વગર ભાજપને મત આપો, ભાજપ તમારી સાથે છે.
રવિવારે યોજાયેલી આ જાહેર સભામાં કરજણ નગર પાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધીએ એક લાખ, દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મહંમદ નગરી ઊભી કરી છે. પરંતુ આવનાર સમયમાં મહંમદ નગરીને “રામ નગરી” બનાવવાનું કામ ચૂંટાઇને આવનાર વોર્ડ નંબર 7ના ઉમેદવારો કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબો, દલિતો અને વંચિતોની છે. તે તોડવામાં નહીં જોડવામાં માને છે. વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવીશું, મહંમદ સિંધીએ યુવાનો અને કુટુંબોને બરબાદ કરી દીધા છે. તેઓએ સરકારી જમીનમાં ગેરકાયદેસર આઇસક્રીમ પાર્લર બનાવી દીધું છે. તેવા એક વખતના ભાજપના ચુસ્ત મનાતા બળવાખોર મહંમદ યુસુફ ઘાંચી સામે બેફામ આક્ષેપ કર્યા હતા.આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો જ્યોતિબેન વસાવા, તરુણકુમાર પરમાર, પ્રણવરાજસિંહ અટાલિયા અને મુમતાઝ મુલતાની છે.
જ્યારે ભાજપે ટિકિટ ન આપતાં એક વખતના જિલ્લા ભાજપ પ્રમુખના અંગત મનાતા અને હવે બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ઊભા રહેલા મહંમદ યુસુફ સિંધીએ પેનલમા પ્રિયંકાબેન માછી, ભરતસિંહ અટાલિયા અને વિનંતાબેન વસાવા ચૂંટણી લડી રહ્યાં છે. સભામાં મોટી સંખ્યામાં વોર્ડના ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. જોકે, સભામાં સ્થાનિક મતદારો કરતાં વડોદરાથી લવાયેલા કાર્યકરો વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
