31 ડિસેમ્બરની ઉજવણીમાં જિલ્લા પોલીસની કડક કાર્યવાહી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 2
નવા વર્ષની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન ચાલેલી આ ઝુંબેશમાં નશામાં વાહન ચલાવતા તથા ઓવર સ્પીડમાં દોડાવતા વાહનચાલકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક વડોદરાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધીક્ષક સુશિલ અગ્રવાલની સૂચના અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ દારૂ સહિતના નશીલા પદાર્થના સેવન બાદ વાહન ચલાવનાર શખ્સોને પકડી ગંભીર અકસ્માતો અટકાવવાનો હતો. જેના ભાગરૂપે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન હાઇવે પર સ્પીડ ગન દ્વારા વાહનોની ઝડપ ચકાસવામાં આવી હતી તેમજ ચેક પોઇન્ટ અને નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હેઠળ 23થી 30 ડિસેમ્બર દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઇવના 1598 કેસ અને 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન વધુ 916 કેસ મળી કુલ 2510 ગુના નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 2822 વાહનચાલકો સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશે નવા વર્ષની ઉજવણી દરમિયાન અકસ્માતના બનાવો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.