ગામડાના વિકાસ માટે નાણાં ફાળવવા સભ્યોની માગ, સિનિયર સભ્યની મધ્યસ્થીથી વિવાદ ઠારાયો: ચેરમેન નિલેશ પુરાણીએ વિવાદ નકાર્યો, ₹3.82 કરોડના કામોને મંજૂરી

વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટને લઈને કારોબારી સમિતિના કેટલાક સભ્યો વચ્ચે વિવાદ સર્જાયો હોવાના અહેવાલો છે. બેઠક શરૂ થાય તે પહેલાં જ ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે ખેંચતાણ સર્જાઈ હતી, જેને પગલે સિનિયર સભ્ય દ્વારા કેટલાક સભ્યોને બંધ બારણે સમજાવવામાં આવ્યા હતા. આ આંતરિક મંત્રણાના કારણે સમિતિની બેઠક તેના નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કારોબારી સમિતિના કેટલાક સભ્યોએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પૂર્વે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માગણી સિનિયર સભ્ય સમક્ષ બેઠક પૂર્વે કરી હતી. સભ્યોએ સયાજી પૂરા ખાતે કરવામાં આવી રહેલા કામોની તુલનામાં ગામડાઓના વિકાસ માટે વધુ નાણાં ફાળવવાની રજૂઆત કરી હતી.
જોકે, બેઠક પૂર્વે જે થયું તે અંગે કોઈ સભ્ય કે સિનિયર નેતા સ્પષ્ટ બોલવા તૈયાર નહોતા.
જોકે, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણીએ કોઈ વિવાદ હોવાની વાતને નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કારોબારી બેઠકમાં કુલ ₹382.20 લાખના 171 કામોને સભા બાદ વહીવટી મંજૂરી આપવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાની તમામ 1409 આંગણવાડીઓમાં સ્ટેઈનલેસ સ્ટીલ (SS)ના વાસણો આપવા માટે ગત બજેટમાં જોગવાઈ કરાયેલા ₹65 લાખથી વધુ ખર્ચની જોગવાઈ પર ચર્ચા થઈ હતી. સાથે જ, રિનોવેશન કરાયેલા સભાખંડમાં અધિકારીઓ અને પત્રકારો માટે ટેબલ અંગેના કામો પર પણ વિચારણા થઈ હતી.
આંતરિક વિવાદ અંગે પૂછવામાં આવતા ચેરમેન નિલેશ પુરાણીએ કહ્યું હતું કે, “સભ્યોમાં આંતરિક ગ્રાન્ટને લઈ વિવાદ છે કે કેમ તે બાબતે મને જાણ નથી.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લાના વિકાસ માટે જે ₹7 કરોડની ગ્રાન્ટ છે તે સભ્યોને ફાળવવામાં આવશે. આ સિવાય, નાણાં પંચના વ્યાજની બચતના પૈસા પણ સદસ્યની માંગણી હશે તે મુજબ ફાળવવામાં આવશે. બેઠક મોડી શરૂ થવા અંગે તેમણે ટ્રાફિકમાં ફસાયા હોવાનું કારણ આપ્યું હતું અને કહ્યું હતું કે સભ્યોની માંગણી અંગે તેમને જાણ નથી અને જરૂરિયાત પ્રમાણે વિકાસ માટે પૈસા ફાળવવામાં આવશે.
સમગ્ર ઘટનાક્રમ પરથી જણાય છે કે, ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવાનો મુદ્દો કારોબારી સભ્યોમાં ગરમાયો હતો, જેને પગલે બેઠક પૂર્વે ‘બંધ બારણે’ સમજાવટનો દોર ચલાવવો પડ્યો હતો.