Vadodara

વડોદરા જિલ્લા પંચાયતમાં માહિતી આપતા મશીનનું ‘પંચિંગ મશીન’માં પરિવર્તન

અવ્યવસ્થાનું ભોગ બન્યું સરકારી મશીન !

વડોદરા જિલ્લા પંચાયત ખાતે વર્ષ 2006-07 દરમિયાન જનતા માટે માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સરકારે એક QS મશીન સ્થાપિત કર્યું હતું. આ મશીનનો હેતુ હતો કે નાગરિકો વિવિધ સરકારી યોજનાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકે. તે સમયે અંદાજિત 80 હજાર રૂપિયાની કિંમત ધરાવતા આવા મશીનો વિવિધ જિલ્લા પંચાયતોમાં લગાવવામાં આવ્યા હતા.

ચોક્કસ જાળવણીના અભાવે અને બેદરકારીના કારણે આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં, જ્યાં ટેક્નોલોજી રોજબરોજ બદલાઈ રહી છે, ત્યારે સરકારી મશીન કચરાપેટી સમાન બની ગયા છે. હાલ આ QS મશીનનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવામાં આવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના એક કર્મચારી અનુસાર, આ મશીન વર્ષ 2006-07 દરમિયાન કાર્યરત હતું, પરંતુ સમય જતાં તેનો ઉપયોગ ઠપ થઈ ગયો. બાદમાં મશીનના ભાગોને અલગ કરી તેમાં એક મોનીટર લગાવી, તેને કર્મચારીઓની હાજરી પુરવા માટે ‘પંચિંગ મશીન’માં રૂપાંતરિત કરવામાં આવ્યું.

વિચારવા જેવી બાબત છે કે આ બદલાવ છતાં પણ મશીન યોગ્ય રીતે કાર્યરત નથી. હાલ જિલ્લા પંચાયતમાં અંદાજિત 140 જેટલા કર્મચારીઓની હાજરી માટે ત્રણ અલગ અલગ પંચિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એક જ કાર્યરત છે, જ્યારે બાકી બે મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.

આ ઘટના એક ઉદાહરણ છે કે કેવી રીતે સરકારી મશીનરી અને ટેક્નોલોજી યોગ્ય સંભાળ અને ઉપયોગના અભાવે વ્યર્થ થઈ શકે છે. આ QS મશીનનું મૂળ હેતુ લોકોને માહિતી પ્રદાન કરવાનો હતો, પરંતુ આજે તે માત્ર હાજરી નોંધવા માટેના તંત્રનો એક ભાગ બની ગયું છે. વહીવટી તંત્ર દ્વારા જો આવી કામગીરી પર ધ્યાન આપવામાં ન આવે, તો ભવિષ્યમાં આવા વધુ મશીનો ઉપયોગ વગર જ ધૂળ ખાતા થઈ જશે.

Most Popular

To Top