સઘન સુધારણા અભિયાન બાદ મુસદ્દારૂપ મતદાર યાદી પ્રસિદ્ધ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર
૯ હજાર જેટલા કર્મયોગીઓની દિવસ-રાતની મહેનત બાદ મતદાર યાદીનો મુસદ્દો તૈયાર, હવે વાંધા–સુનાવણીનો તબક્કો
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મુસદ્દારૂપ મતદાર યાદી આપવામાં આવી
વડોદરા: ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વડોદરા જિલ્લામાં તારીખ 28મી ઓક્ટોબરથી મતદાર યાદી સુધારણા સંબંધિત કામગીરી સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે અમલમાં મુકવામાં આવી હતી. જાહેરાત થયેલા દિવસથી આજ દિન સુધી આ કામગીરી વિવિધ તબક્કાઓમાં સતત આગળ ધપાવવામાં આવી છે, જેમાં જિલ્લા સ્તરે વિશાળ માનવ સંસાધન અને સંકલિત ટીમવર્કના આધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં શરૂઆતમાં વડોદરા જિલ્લામાં કુલ 26,89,117 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 21,85,205 મતદારોનું સફળતાપૂર્વક ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે અને 5,03,912 મતદારોમાં ઘટાડો નોંધાયો છે. અનમેપ્ડ મતદારોના નામ મુસદ્દા યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા નથી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરીને તેઓ પોતાનું નામ યથાવત રાખી શકશે.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં આ પ્રક્રિયા માટે કુલ 10 મતદાર નોંધણી અધિકારીઓ (EROs), 27 સહાયક મતદાર નોંધણી અધિકારીઓ (AEROs), અંદાજે 2,576 બૂથ લેવલ અધિકારીઓ (BLOs) તેમજ રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરાયેલા આશરે 2,780 બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત લગભગ 4,000 જેટલા સહાયક કર્મચારીઓ અને સ્વયંસેવકો તથા અંદાજે 1,500 જેટલા રેવન્યુ સ્ટાફ અને અન્ય વિભાગોના કર્મચારીઓએ પણ આ સમગ્ર કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ રીતે કુલ મળીને લગભગ 9,000 જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકોના સંયુક્ત પ્રયત્નોથી આ વિશાળ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

: બૂથ લેવલ ટીમનું મહત્વપૂર્ણ યોગદાન
આ સમગ્ર પ્રક્રિયાની વિશેષતા એ હતી કે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની નિયમિત ફરજોની સાથોસાથ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. સમગ્ર કામગીરીના પાયામાં બૂથ લેવલ અધિકારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. મતદાર યાદીનું વિતરણ, સંકલન, મેપિંગ, મેચિંગ તેમજ ડેટા એન્ટ્રી જેવી મહત્વની જવાબદારીઓ બીએલઓ દ્વારા અત્યંત મહેનત, નિષ્ઠા અને પ્રતિબદ્ધતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. બીએલઓ સાથે બીએલએ, સહાયક કર્મચારીઓ, સ્વયંસેવકો તથા વિવિધ વિભાગોની સંકલિત ટીમવર્ક વિના આ કામગીરી શક્ય બની ન હોત. વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ, સોસાયટી સેક્રેટરીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ, ક્લેમ્સ–ઓબ્જેક્શન શરૂ

મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની ટીમ દ્વારા સતત સંકલન જાળવવામાં આવ્યું હતું. મેપિંગ પ્રક્રિયા દરમિયાન સેન્ટ્રલાઇઝ્ડ ટીમ રચી કાર્ય કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચ, રાજ્ય સરકાર તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સાથે સતત સંપર્કમાં રહી આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કાની સફળ પૂર્ણતા બાદ આજે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મુસદ્દા મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઇટ, રાજ્યની અધિકૃત વેબસાઇટ તેમજ જાહેર સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આગામી તબક્કામાં ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ફોર્મ નં. 6 અને 8 મારફતે દાવા તથા વાંધાઓ રજૂ કરી શકાશે. એક મહિના સુધી ચાલનારી આ પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ સમગ્ર કામગીરી દરમિયાન મીડિયાએ પણ સકારાત્મક અને જવાબદાર ભૂમિકા ભજવી છે, જેના પરિણામે મતદારોમાં નોંધપાત્ર જાગૃતિ અને ભાગીદારી જોવા મળી છે. ચૂંટણી તંત્રનો મુખ્ય હેતુ ત્રુટિરહિત, સમાવેશી અને વિશ્વસનીય મતદાર યાદી તૈયાર કરવાનો છે.
કલેક્ટર ઉપરાંત ચૂંટણી તંત્રના અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને મુસદ્દારૂપ મતદાર યાદી આપવામાં આવી હતી.