*ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે વડોદરા જિલ્લામાં સઘન ચકાસણી ઝુંબેશ*
*વડોદરા જિલ્લામાં ચકાસણી ઝુંબેશ દરમ્યાન બિયારણ અને ખાતરનો રૂ.૧.૨૪ કરોડનો જથ્થો અટકાવાયો: ૧૧ વિક્રેતાઓને નોટીસ*
વડોદરા: રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી ખાસ સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તાજેતરમાં રાજ્ય કક્ષાએથી ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે કૃષિ વિભાગ, વડોદરા દ્વારા ડભોઈ, પાદરા, સાવલી, વડોદરા તેમજ કરજણ તાલુકામાં બિયારણ,ખાતર અને દવાઓ વેચતા ૮૧ વિક્રેતાઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં બિયારણ, ખાતર અને દવાના કુલ ૫૨ (બાવન) નમૂનાઓ લઈ રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ચકાસણી દરમિયાન બિયારણના ૩૬ ખાતરના ૧૫ અને દવાનો એક નમુનો લેવામાં આવ્યો છે. બિયારણ અને ખાતરનો કુલ રૂ.૧.૨૪ કરોડનો જથ્થો અટકાવી ૧૧ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી હોવાનું નાયબ ખેતી નિયામક (વિ) ચિરાગ પટેલે જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે ચકાસણી દરમ્યાન બિયારણમાં કપાસના ૩૬ નમૂના લેવાયા છે. તેમાં ૭ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ કપાસ તરીકે લેવામાં આવ્યા છે અને ૬ નમુના જી.ઓ. ટી તરીકે લેવામાં આવ્યા છે.ચકાસણી ઝુંબેશ દરમિયાન વિક્રેતાઓને ત્યાં અનિયમિતતાઓને ધ્યાને લઈ ૧૧ વિક્રેતાઓને નોટિસ આપી કુલ રૂ.૧.૨૪ કરોડનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. જેમાં બિયારણનો ૬૧૨૧ કિલોગ્રામ તથા ખાતરનો ૧૫ કિલો અને દવાનો ૩૦ કિલો જથ્થાનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લામાં બિયારણ અને ખાતરમાં ગોબાચારી, રૂ. 1.24 કરોડનો જથ્થો અટકાવાયો
By
Posted on