90 કામો પ્રગતિ પર, 16 કામો એવા છે જે હજુ શરૂ જ થયા નથી
વડોદરા જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન કુલ 187 કામો હાથ ધરાયા છે, જેના માટે 253.12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જીલ્લામાં રસ્તાઓ અને માળખાગત વિકાસ માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે, જેમાં અત્યાર સુધી 81 કામો પૂર્ણ થયા છે, 90 કામો પ્રગતિ પર છે, અને 16 કામો એવા છે જે હજુ શરૂ જ થયા નથી.
આ સમગ્ર કામગરીમાં પાદરા તાલુકો સૌથી આગળ રહ્યો છે. પાદરા તાલુકામાં કુલ 51 કામો હાથ ધરાયા છે, જેમાં 19 કામો પૂર્ણ થઈ ગયા છે, 23 કામો હાલમાં પ્રગતિ પર છે, જ્યારે 9 કામો હજુ સુધી શરૂ જ થયા નથી. વડોદરા તાલુકામાં 22 કામો હાથ ધરાયા છે, જેમાં 42.90 કિલોમીટરના વિસ્તરણ માટે 31.55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આમાંથી 14 કામો પૂર્ણ થયા છે, 4 કામો પ્રગતિ પર છે, અને 4 કામો હજુ શરૂ થયા નથી. વાઘોડિયા તાલુકામાં 26 કામો હાથ ધરાયા છે, જેમાં 43 કિલોમીટરના વિસ્તરણ માટે 24.66 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અત્યાર સુધી 13 કામો પૂર્ણ થયા છે, 12 કામો પ્રગતિ પર છે, અને 1 કામ હજુ શરૂ થવાનું બાકી છે.
સાવલી તાલુકામાં 28 કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 25.90 કિલોમીટરના વિસ્તરણ માટે 43.92 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આમાંથી 13 કામો પૂર્ણ થયા છે, 10 કામો પ્રગતિ પર છે, અને 2 કામો હજુ શરૂ થયા નથી. કરજણ તાલુકામાં 35 કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 43.40 કિલોમીટરના વિસ્તરણ માટે 32.81 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીં 15 કામો પૂર્ણ થયા છે અને 20 કામો હાલ પ્રગતિ પર છે. ડભોઇ તાલુકામાં 28 કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 53.71 કિલોમીટરના વિસ્તરણ માટે 44.89 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીં માત્ર 7 કામો પૂર્ણ થયા છે, જ્યારે 21 કામો હજી પ્રગતિ પર છે.
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં શરૂ કરાયેલા કામોમાંથી મોટાભાગનાં કામો પ્રગતિ પર છે, પણ 16 કામો એવા છે, જે હજુ સુધી શરૂ થયા નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રસ્તા સુખદ બનાવવા માટે સરકાર તરફથી મોટા બજેટ ફાળવવામાં આવ્યા હોવા છતાં, કેટલાંક કામો ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આમ, જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ માટે નાણાં ફાળવવામાં આવ્યા છે અને મોટાભાગના કામો પૂર્ણતાના આરે છે. જો બાકી રહેલા કામો પણ ઝડપથી પૂર્ણ થાય, તો જે તે વિસ્તારની જનતાને વધુ સારો માર્ગ વ્યવહાર અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહેશે.
