Vadodara

વડોદરા જિલ્લામાં ત્રણ સ્થાને કાલે ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે


મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી

મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરને જરુરી સૂચનાઓ અપાઈ

વડોદરા: ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. વડોદરા જિલ્લામાં પણ ત્રણ સ્થાન પર આ કવાયત થશે.

વડોદરા જિલ્લામાં ગુરુવારે સાંજે 6.45 થી 7.30 સુધી મોકડ્રીલ અને ત્યારબાદ સાંજે 7.30 થી 7.45 બ્લેક આઉટનું આયોજન કરવામાં આવ્યું છે. પાદરા તાલુકા નગર પાલિકા સમાવિષ્ટ વિસ્તાર તથા કરજણ આઈનોક્સ એર કંપની, જૂની જીથરડી ખાતે મોકડ્રીલ યોજાશે જ્યારે વડોદરા શહેરમાં ફતેગંજ ઈએમઈસ સ્કૂલ સેમ્પસ ખાતે મોકડ્રીલનું નક્કી કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ લોકોમાં યોગ્ય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ માત્રથી થનાર છે. આ મોકડ્રીલના નોડલ અધિકારી તરીકે અધિક કલેક્ટર સિવિલ ડિફેન્સની નિમણૂક કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ આવતીકાલ તા. ૨૯ મે, ગુરુવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.

ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આજે ગુજરાતના તમામ જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે મોકડ્રીલના સફળ અમલીકરણ માટે તમામ જિલ્લા કલેકટરને જરુરી સૂચનાઓ પણ આપી હતી.

વધુમાં ડૉ. જયંતી રવીએ કહ્યું હતું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઇન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ, આ કવાયત દરમિયાન જરુરી તમામ વિભાગો અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા સમયસર સંકલન બાબતે પણ કલેકટરશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
***********************

Most Popular

To Top