Vadodara

વડોદરા જિલ્લાની 5 તાલુકા પંચાયતોનું ચૂંટણી જંગ જામશે: અનામત બેઠકોનું નવું રોટેશન જાહેર

મહિલા પ્રતિનિધિત્વ: 50 ટકા મહિલા અનામત બેઠકો સાથે સ્ત્રી શક્તિનો દબદબો જોવા મળશે

ગામડાઓમાં ચર્ચાઓ શરૂ: કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયતોમાં નોટિસ બોર્ડ પર અનામતની વિગતો મુકાઈ

વડોદરા: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની પાદરા, સાવલી, કરજણ, ડેસર અને શિનોર તાલુકા પંચાયતોની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણીનો સત્તાવાર આદેશ 20 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે બેઠકોની અનામતની ટકાવારી વધારીને 27 ટકા કરવામાં આવી છે, જેનો અમલ આગામી ચૂંટણીમાં કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર.જી. ગોહિલના આદેશ અનુસાર, આ ફાળવણી ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી (અનામત બેઠકોની વારાફરતી ફાળવણીની રીત) નિયમો, 1994 અને 2023ના નવા સુધારા અધિનિયમ મુજબ કરવામાં આવી છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે આ બેઠકોનું સીમાંકન અને ફેરફાળવણી કરવામાં આવી છે.
આ આદેશની નકલો સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને મોકલી દેવામાં આવી છે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતોના નોટિસ બોર્ડ પર આ વિગતો જાહેર જનતાની જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાતના વિવિધ રાજકીય પક્ષોને પણ આ ફેરફાર અંગે જાણ કરવામાં આવી છે.
ચૂંટણી આયોગે આ તમામ પ્રક્રિયાના અહેવાલો તાત્કાલિક મોકલી આપવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે.

* પાદરા અને સાવલી તાલુકા પંચાયતની બેઠકોની વિગત

પાદરા તાલુકા પંચાયત: કુલ 26 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત આદિજાતિ માટે 1, અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 બેઠકો અનામત રાખવામાં આવી છે. બાકીની 16 બેઠકો બિનઅનામત રહેશે. સ્ત્રીઓ માટે કુલ 13 બેઠકો અનામત છે, જેમાં OBC વર્ગની સ્ત્રીઓ માટે 4 બેઠકોનો સમાવેશ થાય છે.
​સાવલી તાલુકા પંચાયત: કુલ 22 બેઠકો પૈકી 1 બેઠક અનુસૂચિત જાતિ, 2 બેઠકો અનુસૂચિત આદિજાતિ અને 6 બેઠકો OBC વર્ગ માટે અનામત રખાઈ છે. સામાન્ય વર્ગ માટે 13 બેઠકો ફાળવવામાં આવી છે. મહિલાઓ માટે કુલ 11 બેઠકો અનામત છે.

Most Popular

To Top