વિપક્ષના નેતા દ્વારા કલેક્ટરને પત્ર લખી ચૂંટણી કરવા માગ
536 પૈકી 248 ગ્રામ પંચાયતની મુદ્દત બે વર્ષથી પૂર્ણ છતાં ઇલેક્શન જાહેર નથી કરાયાં
વડોદરા જિલ્લાના પાદરા, કરજણ, સિનોર, ડભોઇ, વાઘોડિયા, સાવલી અને ડેસર તેમજ વડોદરા તાલુકામાં મળી કુલ 536 ગ્રામ પંચાયતો પૈકી 248 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થયા બાદ વહીવટદારો વહીવટ સંભાળે છે. જ્યારે બીજી બાજુ ગામના પડતર પ્રશ્નો સહિત લાઈટ, પાણી, આરોગ્ય રસ્તા જેવા મહત્વના પ્રશ્નો સંદર્ભે ત્વરિત નિર્ણય લેવાતો નથી. જેને લઇ આ અંગે વિપક્ષ નેતા એમ.આઇ.પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી ચૂંટણી કરવા માગ કરી છે.
આ અંગે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમ.આઈ.પટેલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી 248 ગ્રામ પંચાયતોના ઇલેક્શન જાહેર કરવામાં આવ્યા નથી. બે વર્ષ જેટલો સમય થયો છે, ત્યારે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે, આજે વહીવટદારો છે તેઓ કોઈ જગ્યાએ તલાટી કમ મંત્રી પણ ફરજ બજાવે છે. સાથે સાથે તેઓના અન્ય ત્રણથી ચાર જગ્યાએ ગામોમાં ચાર્જ હોય છે.
જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ગટર, પાણી, રોડ રસ્તાને લઇ સ્થાનિક કામોને લઇ ગ્રામ પંચાયતમાં જે ઠરાવ કરવાના હોય તે યોગ્ય રીતે થઈ શકતા નથી અને ગ્રામ્ય વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થઈ શકતો નથી. ચૂંટણી ન કરવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી ઠપ થઈ ગઈ છે. ગ્રામ્ય કક્ષાએ ગામના લોકો ખેડૂત સમાજ વેપારીઓ પંચાયતને લગતી જે કામગીરી હોય છે તે ઠપ થઈ ગઈ છે અને આ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર નથી કરતા જેને લઇ વિપક્ષના નેતા તરીકે એક પત્ર લખી સરકારમાં રજૂઆત થાય અને ઇલેક્શન થાય તેવી માંગણી કરવામાં આવી છે.