વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ધુળેટીના દિવસે સાળો અને બનેવી ગુમ થયા હતા.
વીજ ફેન્સિંગનો કરંટ લાગતાં સાળા- બનેવીના કમકમાટીભર્યા મોત
ખેતર માલિક સામે નોંધાયો ગુનો
વડોદરા જિલ્લાના કોઠાવ ગામની સીમમાં ખેતરની ઝાટકા તારની ફેન્સિંગના કરંટથી બે ખેડૂતના મૃત્યુ નિપજ્યાં હતા. ખેતરમાં પશુઓ ન ઘૂસે તે માટે લગાવવામાં આવેલ 240 વોલ્ટના ઝાટકા તારના વીજ પ્રવાહનો કરંટ લાગતા સાળા-બનેવી મોત નીપજ્યા છે. મૃતકોને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કરજણ પોલીસે ખેતર માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, કોઠાવ ગામના રહેવાસી સંજય પટેલના ખેતરમાં પશુઓ ઘૂસી ન જાય અને પાકનું ભેલાણ ન કરે તે માટે સામાન્ય રીતે ઝાટકા મારતા વીજ પ્રવાહના તાર લગાવવાના બદલે 240 વોલ્ટ વીજ પ્રવાહવાળો ઝાટકા તારની ફેન્સિંગ લાગાવી હતી. આ દરમિયાન વિજય પટેલ અને તેના શાળા ચંદ્રકાન્ત વસાવા સાથે રાત્રે આ ખેતરમાંથી પસાર થયા હતા. ત્યારે અચાનક ઝટકા તારને અડી જતા બંને મોતને ભેટ્યા હતા.

વિજય પટેલ અને ચંદ્રકાંત વસાવા વહેલી સવાર સુધી ઘરે પરત ન ફરતા વિજયના પત્નીએ ગામમાં રહેતા તેમજ ખેતર માલિકને જાણ કરી હતી. ત્યારેબાદ ખેતરમાં ગુમ થયેલા વિજય અને ચંદ્રકાંતની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા અને ખાનગી ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સંજય પટેલના ખેતર પાસેથી બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યારબાદ ગામના અગ્રણીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બંને મૃતદેહોની ઓળખ કરી હતી. બંનેના મૃતદેહ નીચે વીજ તાર જોવા મળ્યો હતો. હાલ પોલીસે સાળા-બનેવીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને બીજી બાજુ વિનોદ પટેલની ફરિયાદના આધારે ખેતરના માલિક સંજય પટેલ સામે જાણી જોઇને 240 વોલ્ટનો ઝાટકા વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
