Vadodara

વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાં લગ્ન નોંધણીમાં ગેરરીતિનો આરોપ


અંપાડ ગામના સરપંચ હિતેન્દ્રસિંહ પરમારે તપાસની કરી માંગ

વડોદરા જિલ્લાના કેટલાક ગામોમાં ખોટી રીતે લગ્ન નોંધણી થતી હોવાના આક્ષેપ અંપાડ ગામના સરપંચ હિતેન્દ્રસિંહ પરમારે લગાવ્યા છે. આ અંગે તેમણે આજે વડોદરા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ રજૂઆત કરી હતી.

હિતેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, એક કિસ્સો તેમની જાણમાં આવ્યો હતો, જેમાં વડોદરા તાલુકાના એક ગામના એક યુગલ ભાગી ગયા હતા. આ કિસ્સામાં, શિનોર તાલુકાના અવાખલ ગામના તલાટીએ ખોટી રીતે તેમની લગ્ન નોંધણી કરી હતી. તેમણે દાવો કર્યો કે, નોંધણી માટે જરૂરી પ્રમાણપત્રો પણ નહતા તેમ છતાં લગ્ન નોંધાઈ ગયા.

હિતેન્દ્રસિંહ પરમારે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, કેટલાક ભ્રષ્ટ તલાટીઓ પૈસા લઈને ગેરકાયદેસર રીતે લગ્ન નોંધણી કરતા હોવાની શકયતા છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, તાજેતરમાં એક ગામમાં જ એક જ મહિનામાં 139 લગ્ન નોંધાયા છે, જે સંખ્યા ખૂબ જ શંકાસ્પદ છે. જો આ મામલાની ઊંડી તપાસ થાય, તો વધુ ગેરરીતિઓ પ્રકાશમાં આવી શકે છે. હિતેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું કે, કેટલાક લગ્ન નોંધણી ફોર્મ એવા પણ છે કે જેમાં જરૂરી સહી અને સિક્કા પણ નથી હોતા. જે તલાટીઓ દ્વારા આ ગેરરીતિઓ થઈ રહી છે, તેમના પર સત્તાવાર તપાસ કરવામાં આવે તો અન્ય આવા કિસ્સા પણ પ્રકાશમાં આવી શકે છે. સમગ્ર મામલે સરપંચ હિતેન્દ્રસિંહ પરમાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ મૌખિક રજૂઆત મળ્યાની પુષ્ટિ કરી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, જો લેખિત રજૂઆત કરવામાં આવશે, તો આ મામલે ચોક્કસપણે તપાસ હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top