વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અનેક સમસ્યા થી લોકોને હાલાકી વેઠવી પડી છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદના કારણે જાંબુવા ગામની ઢાઢર નદીમાં પૂર આવ્યું છે. ઢાઢર નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે. ભારે પાણી ભરાતા ત્યાંથી પસાર થતી બસ બ્રિજમાં અધવચ્ચે બંધ પડી ગઇ હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને બસને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. ગઈકાલે વડોદરા શહેર-જિલ્લામાં એટલો બધો વરસાદ ખાબક્યો છે કે નદી નાળા છલકાઈ ગયા છે. અનેક જળસ્રોતોના જળસ્તર પણ વધી ગયા છે. ત્યારે આવામાં વડોદરાના જાંબુવા ગામમાં આવેલ બ્રિજ પર ઢાઢર નદીનું પાણી ફરી વળતાં બ્રિજ પર થી પસાર થઇ રહેલ મુસાફરો ભરેલી એક બસ ફસાઈ ગઈ હતી. સીટી બસના ડ્રાઇવરે મુસાફર ભરેલી બસને ધસમસતા પાણીના પ્રવાહમાં નાખી અને મુસાફરોના જીવ જોખમ મુક્યા હતા.
ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી બસ પસાર કરવા માટે ડ્રાઇવરે બસને બ્રિજ પર નાખતાં પાણીની વચ્ચે જ બસ બંધ પડી ગઈ હતી. જેના કારણે ડ્રાઇવરે મુસાફરોને નીચે ઉતારી ધક્કો મરાવ્યો હતો. પરંતુ ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી મુસાફરોને ફરી બસમાં બેસાડી દેવાયા હતા. જેના બાદમાં પોલીસે જાંબુવા નદી પરનો બ્રિજ બંધ કરાવ્યો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ અને સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે મુસાફરો ભરેલી બસ ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.