પ્રતિનિધિ વડોદરા તા.18
પ્રતિનિધિ વડોદરા તા.18 તળાવો ઉંડા તથા પાણી ભરેલા હોય કોઇ જાહેર જનતા સામે જીવનુ જોખમ ઉભુ ન થાય તેના માટે ગણેશ વિસર્જન કરવાની મનાઇ ફરમાવાઇ હતી. કૃત્રિમ તળાવોમાં ફાયર બ્રિગેડ તથા તરવૈયા દ્વારા ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ નવાપુરાના તાડફળિયા યુવક મંડળના સભ્યોએ અમે 70 વર્ષથી જાતે વિસર્જન કરીએ છે તેમ કહીને તરાપા પર મુકીને ત્રણ નાની પ્રતિમાનુ જાતે વિસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓએ પોલીસ સાથે પણ ધક્કા મુકકી કરી હતી. પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ કરવાનો 26 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરાઇ છે. વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને દસ દસ દિવસ સુધી પુજા અર્ચના કર્યા બાદ અનંત ચૌદશના દિવસે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવાનું હોય છે. ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાલિકાના અને પોલીસના સહયોગથી ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો ઉભા કરાયા હતા. જેમાં બેરીકેટિંગ કરી ફાયર બ્રિગેડ તથા એક્સપર્ટ તરવૈયા દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાઇ રહ્યું હતું. તળાવો ઉંડા બનાવવા સાથે પાણી પણ ભરેલું હોય કોઇ પણ વ્યક્તિ વિસર્જન કરવા જાય અને તેમની જિંદગી જોખમમાં મુકાય તેવી શક્યતા પગલે કોઇ પણ વ્યકિતએ જાતે વિસર્જન કરવાની પરમિશન ન હતી. દરમિયાન મોડી રાત્રીના સમયે નવલખી કૃત્રિમ તળાવમાં નવાપુરા વિસ્તારમાં આવેલા તાડફળિયા યુવક મંડળના ગણપિત ટ્રેકટરમાં આવ્યા હતા. વિસર્જન યાત્રામાં 26 જેટલા માણસો હતા ત્યારે તેમાંથી ત્રણ નાના ગણપતિ લઇને 6 જેટલા શખ્સો તરાપા પર મુકી તળાવમાં અંદર જતા રહ્યા હતા. પોલીસ એસઆરપી તથા હોમગાર્ડના જવાનો દ્વારા આ લોકોને પરત બહાર લાવ્યા હતા ત્યારે બીજા 20 જેટલા લોકોએ બેરિકેટિંગ ખોલી ધસી આવ્યા હતા અને અમે 70 વર્ષથી અમારા ગણપતિનુ વિસર્જન કરીએ છીએ તેમ કહી પોલીસ કર્મચારીઓ સાથે ધક્કા મુક્કી કરવા લાગ્યા હતા. જેથી પોલીસે 26 લોકો વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.