સાર્વત્રિક વરસાદ અને ખાડાઓના કારણે જાંબુઆ બ્રિજ પર ફરી લાંબો ટ્રાફિકજામ : વાહનચાલકો અટવાયા
ખાડાઓ પુરવામાં નહીં આવતા વાહનચાલકોને હાલાકી :
( પ્રતિનિધી )વડોદરા,28
વડોદરા શહેર નજીક જાંબુવા બ્રીજ પાસે ફરી એક વખત સોમવારે સવારે લાંબો ટ્રાફિકજામ થયો હતો. ભારે વરસાદ અને રોડ પર પડેલા સંખ્યાબંધ ખાડાઓને પગલે વાહનો ધીમી ગતિએ હાંકતા દરરોજ સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે. ખાડાઓની ભરમારને કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે. એક તરફ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને આ ખાડાઓના કારણે ધીમી ગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે. જેના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ થઈ રહ્યો છે. ત્યારે, છાશવારે ઉદ્ભવતી આ સમસ્યાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘણી વખત ઇમર્જન્સી વાહનો પણ લાંબા ટ્રાફિક જામમાં ફસાયા છે, તેમ છતાં પણ આજદિન સુધી હાઇવે ઉપર પડેલા ખાડાઓને પુરવામાં નહીં આવતા ફરી એક વખત લાંબો ટ્રાફિક જામ થયો હતો. વડોદરા શહેર નજીક આવેલા જાંબુઆ બ્રિજ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. હાઇવે ઉપરના રસ્તા પર પડેલા સંખ્યા બંધ ખાડાને પગલે વાહન ચાલકો અટવાયા હતા. આશરે દસ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાન્સપોર્ટેશન સહિતના સંખ્યાબંધ વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહનો ટ્રાફિકમાં અટવાતા ચાલકોએ તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. જ્યારે બીજી તરફ હાઈવેની આસપાસ કેટલીક સોસાયટીઓ પણ આવેલી છે. દર વખતે ટ્રાફિકજામ થતા લોકો બહાર નીકળી શકતા નથી. જ્યારે બાળકોને પણ શાળામાં લેવા મુકવા જવા માટે પણ ઘણી હાલાકી વેઠવી પડી રહી છે. જ્યારે દર્દીઓની સારવાર માટે જતા ઇમરજન્સી વાહનો પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. જેને પગલે દર્દીઓના જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે.