દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલ 6 મજલીય ઈમારત જોખમી
નિર્ભયતા શાખાની કામગીરી સામે સવાલો ઉઠ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.21
દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલ છ મજલીય ઈમારત જોખમી રીતે જર્જરિત અવસ્થામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેમાં આજરોજ આ જર્જરિત ઇમારતની એક દિવાલ તૂટી પડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વડોદરા શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલ છ માળની રાજશ્રી એપાર્ટમેન્ટની બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અવસ્થામાં આવી ગઈ છે. જેથી થોડા સમય પૂર્વે પાલિકા દ્વારા આ ઈમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા આ જોખમી ઈમારતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી નથી. જેમાં આજરોજ સવારે સાત વાગ્યાના સુમારે રાજશ્રી એપાર્ટમેન્ટ નીચેથી પસાર થતાં રાહદારીના માથા પર રાજશ્રી એપાર્ટમેન્ટની દીવાલ તૂટી પડતા રાહદારીના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત રાહદારીને 108 એમ્બ્યુન્સ મારફતે સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં આવેલ રાજશ્રી એપાર્ટમેન્ટ જોખમી અવસ્થામાં આવ્યું હોવા છત્તા પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે મોટો પ્રશ્ન છે.