જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરી જંત્રીના દરમાં સુધારો કરવા માંગણી :
સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે, તે વાસ્તવિકતાથી વિપરીત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જંત્રીના નવા સુચિત દરના વિરોધમાં વડોદરા શહેર બિલ્ડર જૂથ ક્રેડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અકોટા સર સયાજીનગર ગૃહ ખાતેથી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જંત્રીના દરમાં સુધારો કરવા માંગણી કરવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા વધારે ધીમો થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. નવી સૂચિત જંત્રીના દર જો લાગુ કરવામાં આવે તો ડેવલોપર્સ અને બિલ્ડર્સને વેપાર કરવો મુશ્કેલ બની શકે છે. તેમજ જમીન ધારણ કરનાર ખેડૂતોને જમીન વેચવામાં ટેક્સ સહિતના ભારણમાં વધારો થશે. સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે, તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલીસ્ટીક માર્કેટ તેમજ સાયન્ટીફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી. જેના કારણે જો, હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50 થી 100 %નો વધારો આવશે તે નક્કી છે. ત્યારે, સરકારની સૂચિત જંત્રીના વિરોધમાં સર સયાજીનગર ગૃહ ખાતેથી બિલ્ડર્સ, ડેવલોપર્સ તેમજ અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી સ્વરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરી જંત્રીના દરમાં સુધારો કરવા માગણી કરી હતી.