વડોદરા તારીખ 4
છાયાપુરી રેલવે સ્ટેશન પર તાજેતરમાં મુસાફરને ચાકુ બતાવીને તેમની પાસેથી રોકડ રકમ સહિતની મતાની લૂંટ ચલાવીને બે લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. દરમિયાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી એલસીબીની ટીમે બંને લૂંટારૂને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 1.05 લાખ અને બે મોબાઈલ મળી રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજેતરમાં છાયાપુરી રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરને ચાકુ બતાવી તેમની પાસેથી રોકડ રકમ સહિતની મતાની લુંટ કરી બે લુટારૂ ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ રેલવે સ્ટેશન ખાતે નોંધાઈ હતી. ત્યારે વડોદરા પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા મિશન ક્લીન સ્ટેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય ટ્રેન તેમજ રેલ્વે સ્ટેશન ઉપર થતી ચોરી અને લુંટના અંડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ અપાઈ હતી. જેથી રેલવે એલસીબી ટીમના માણસો બુધવારના રોજ વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહ્યા હતાં. તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બાતમી મળી હતી કે, છાયાપુરી રેલ્વે સ્ટેશન પર ચાકુ બતાવી લુટ કરનાર બે આરોપી વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 રિઝર્વેશન ઓફીસની પાછળ ઊભા છે. જેના આધારે એલસીબી ની ટીમે તાત્કાલિક પ્લેટફોર્મ નંબર 6 રિઝર્વેશન ઓફિસ પાછળ પહોંચીને સોનુ મનિષ શર્મા તથા નજરૂલ જમશેદ અલી શેખ અને નિર્મલ ઉર્ફે નિર્મળ ઉર્ફે અર્જુન ઉર્ફે કાઠીયાવાડીને ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે બંને આરોપીઓની અંગજડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ રૂ. 1.05 લાખ અને બે મોબાઈલ રૂ.16 હજાર મળી કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.