મધરાત્રીએ વીજ સપ્લાય બંધ રહેતા રહીશો હેરાન પરેશાન
ફતેગંજમાં ચાર દિવસના ગાળામાં બે વખત રાત્રિ ટાણે વીજ પુરવઠો ખોરવાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.19
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં બે વાર મોડી રાત્રીના સમયે અંદાજે એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. બે દિવસ રાત્રે 1:30 વાગ્યા પછી અંદાજે એક કલાક અને તેથી વધુ સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો.
ચોમાસુ શરૂ થવાની સાથે શહેરના ફતેગંજ વિસ્તારમાં છાસવારે વીજ પુરવઠો ખોરવાવના બનાવો બનવા લાગ્યા છે. ગત તારીખ 13 જૂન અને તારીખ 17 જૂનના મોડી રાત્રીના દોઢ વાગ્યા પછી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે અંદાજે એકથી દોઢ કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા નાગરિકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ અંગે એમજીવીસીએલ ફતેગંજ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર પરેશ કદમે જણાવ્યું હતું કે, તારીખ ૧૩ના રાત્રીના સમયે કારેલીબાગ ઝોનના એસેસ ટ્રિપની અસર ફતેગંજ વિસ્તાર સુધી થઈ હતી. જેના કારણે એક ફેઝ ઉડી જતા રાત્રે વિજ પુરવઠો બંધ કરી એના મરામતની કામગીરી હાથ ધરવી પડી હતી તેવી જ રીતે ગત રાત્રિના સમયે કારેલીબાગ રાત્રી બજાર ખાતે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ સર્જાયો હતો. જેથી ચેન્જ ઓવર કરી 40 મિનિટ વીજ પુરવઠો બંધ રાખ્યા બાદ પુનઃ વીજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો.