Vadodara

વડોદરા : ચૂંટણી વખતે તમારે આવવું ભારે પડશે,જો તમે નહીં આવો તો અમે બે દિવસમાં આ જગ્યાએ ધરણા ઉપર પર બેસીશું

વિકાસના ખાડા ખોદયા,ગોકળગતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ :

વોર્ડ 9માં સમાવિષ્ટ ઉમેદ પાર્ક, તક્ષ બંગ્લોઝ, સરોજ પાર્ક સહિતની સોસાયટીના લોકોને હાલાકી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.30

વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ ઉમેદ પાર્ક તક્ષ બંગ્લોઝ સરોજ પાર્ક 1-2 ઈશાનયા ફ્લોરેન્જા, ઈશાન્યા શાંતિગ્રામ જેવી 20 થી 25 સોસાયટીઓ આવેલી છે. અહીં વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકળગાય ની ગતિએ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ નબળી કામગીરીના કારણે પાણીની લાઈન લીકેજ થવી ડ્રેનેજની લાઇન તૂટવી જેવી અનેક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે આ વિસ્તારમાં દર્દીઓને લાવવા લઈ જવાની એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, નાના બાળકોને સ્કૂલે લઈ જવા લાવવા પણ મુશ્કેલ બનેલ છે. આજરોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો જલ્દીથી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા મહાનગરપાલિકાના રેઢીયાળ તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાએ જણાવ્યું હતું કે, જીવાભાઈ સોસાયટીથી ઊંડેરા ગામને જોડતો જે રસ્તો છે, તેના પર અત્યારે કેટલાય વખતથી આમ તો છ મહિનાથી કામ ચાલી રહ્યું છે, પણ છેલ્લા ત્રણ મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. અને એમાં પણ બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ લેતું જ નથી અને એકબીજા ઉપર ઢોળી દે છે. આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈને લગ્ન પ્રસંગ જવા માટે તકલીફો પડી રહી છે,પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ લોકો અવારનવાર આવી રીતે ખાડાઓ ખોદીને બસ હેરાનગતિ કરે છે. એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા છે,એ દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો આ કામને સફળ બનાવતા,કારણ કે આ દબાણો એટલા બધા ઊભા થઈ ગયા છે અને ઉપરથી આ બધા કામ ચાલુ કરે છે. તેવામાં પાણીની પાઇપો તૂટી જતા આવા જવામાં લોકોને નુકસાન થઈ રહ્યું છે. ઘણા લોકો પડ્યા છે અને પડી જવાથી હોસ્પિટલમાં જવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી,પાઇપ તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી આખા બધા વિસ્તારમાં પાણીની તકલીફ પડી રહી છે. જેથી કરીને અમે ટેન્કર પણ મંગાવી નથી શકતા અને અમને પાણી પણ નથી મળતું, ચાર ચાર દિવસ સુધી પાણી ન મળે ત્યારે માણસની શું હાલત થાય, તમે તો માત્ર અહીંયા વોટ લેવા આવો છો અને તમને અમે લોકોએ ચૂંટીને આ પોઝીશન ઉપર તમને બેસાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે, આ વિસ્તારમાં તમે આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કેવી રીતે અહીંયા લોકો રહે છે અને હવે જો ચૂંટણી આવતા આ વિસ્તારના જે પણ પદાધિકારીઓ હોય તો, જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવતા વખતે તમારે આવવું ભારે પડશે હવે તમારે જે વિચારવું હોય એ વિચારી લેજો અને જો તમે નહીં આવો અમે બે દિવસમાં આ જગ્યાએ ધરણા ઉપર પર બેસીશું.

સ્થાનિક અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે, અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે. ભુંગળા નાખવા માટે આખો રસ્તો પગદંડી જેટલો પણ નથી રાખ્યો, પૂરેપૂરો રસ્તો ખોદી નાખ્યો છે. ના નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો, વચ્ચે વચ્ચે પાણીની લાઈનો ટુટે છે. પાણી આવતું નથી. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર એવું ત્રણ મહિનાથી સતત આ સમસ્યા છે. પાણી ટેન્કર જ અંદર ના આવી શકે તો સમજો પાણી વિના માણસનું જીવન અટકી જાય અને જો કોઈ ઘરડા માણસને હોસ્પિટલ માં શિફ્ટ કરવાનું આવ્યું તો અંદરથી ચાલીને જ આવી ન શકતા હોય તો કોઈ સાધન કેવી રીતે અંદર આવશે અને એમને બહાર કેવી રીતે લઈ જવા. એટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત કામગીરી જે ચાલી રહી છે એમાં કોઈ અધિકારીની દેખરેખ નથી અને કોન્ટ્રાક્ટર એમની રીતે કામ કરી જાય છે. અંદર અંદર માથાકૂટો કરે છે કામ અટકાવી દે છે, પણ કામ એમની રીતે અટકાવે એમાં પબ્લિકનો શું વાંક ? આ બહુ ભયંકર પરિસ્થિતિ છે. સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી, તો પબ્લિક ક્યાં જાય ? અમે જે મત આપ્યા છે. મત નો લાભ થવો જોઈએ એ અમને મળ્યો નથી. અને વારેઘડી આ રીતે કામ કર્યા કરે તો અમે કોને જવાબદાર ઠેરવીએ? . કાલ ઊઠીને કોઈને હાડકા ભાંગી ગયા કોઈ છોકરો અંદર પડી ગયું ખોદેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે? હજી તો આ લોકો કહી રહ્યા છે કે આના પછી બીજે ખોદવાનું છે . તો બાર મહિના માંથી આઠ મહિના અમારે આ રીતે જ કાઢવાના તો અમે અહીંયા બધાએ ઘરો લીધેલા તેનો મતલબ શું ?કોર્પોરેશનમાં જે અમે બધા ટેક્સો ભરીએ છીએ તેનો મતલબ શું ? તો પછી અમારે આ બધા ટેક્સો ભરવાની ઈચ્છા નથી. જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરું ના થાય ત્યાં સુધી હવે અમે કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં ભરીએ અને કોઈને પણ અહીંયા પેસવા દેવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top