325માંથી 66 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એક કરતા વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા
કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિના હસ્તે ડીગ્રી એનાયત
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 73 મો પદવી મહેશ્વરી સામ્રાજ્યદાન સમારોહમાં કુલ 13,862 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવી છે. જેમાં 6245 વિદ્યાર્થી અને 7615 વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. જ્યારે 325 માંથી 196 ગોલ્ડ મેડલ જેમાં 66 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એક કરતાં વધારે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પદવીદાન સમારોહ 10:30 કલાકે યોજાવાનો હતો. જોકે,કોઈ કારણસર 11:30 કલાક બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે પૂર્વે વહેલી સવારથી જ કર્મચારીઓને ફરજ પર બોલાવી લેવાયા હતા. આ દરમિયાન વ્હાઈટ હાઉસ પાસે એક મહિલા સુરક્ષા કર્મચારીની તબિયત લથડી હતી. જેને લઈ હાજર સૌ કોઈ દોડી ગયા હતા અને મહિલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73 મો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીની કમલા રમણવાટિકા ખાતે યોજાયો હતો. વર્ષ 2024 નો આ પદવીદાન સમારોહ યુનિવર્સિટીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ચીફ ગેસ્ટ વિના યોજાયો હતો.
એમ.એસ.યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપ કુલપતિ પ્રોફેસર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમના હસ્તે 13862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં 7,615 વિદ્યાર્થીની અને 6245 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી જ્યારે આ વર્ષે 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે જેમાંથી 196 વિદ્યાર્થીની અને 129 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જે પૈકી 66 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 73 માં પદવીદાન સમારોહમાં 13,862 પૈકી પીએચડીના 142 અનુસ્નાતક 2723, સ્નાતક 10,352, તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના 645 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટી નો 73 મો પદવિદાન વિવાદના વંટોળમાં ઘેરાયો હતો. પદવીદાન સમારોહમાં કોણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે તે નક્કી નહીં થતાં તારીખની જાહેરાત કરવામાં આવી ન હતી. જેના કારણે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત આંદોલનાત્મક કાર્યક્રમો યોજી સત્તાધીશો પાસે પદવીદાન સમારોહની વહેલી તકે તારીખ જાહેર કરવા માંગણી કરવામાં આવી હતી. ત્યારે અગાઉ પ્રથમ વડોદરાના સાંસદે આ પદવિદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 29મી ડિસેમ્બરના રોજ 73 મો પદવીદાન સમારોહ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને પગલે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે, ઉપરાષ્ટ્રપતિ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે નહીં. ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના 73 માં પદવીદાન સમારોહને લઈ અસમંજસ સર્જાયું હતું. ત્યારે, અંતે યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને કુલપતિ પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ સાદાઈ પૂર્વક યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પદવીદાન સમારોહ યોજવામાં વિલંબ થતા કેટલાય વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રીને લઇ મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાકના વિઝા અટવાયા તો કોઈક નો પ્રવેશ પણ અટક્યો હતો. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે પણ સમસ્યા સર્જાઇ હતી.
મહત્વની બાબત છે કે, દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:મનમોહનસિંહના અવસાનને લઈ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે, MSUના 73માં પદવીદાન સમારોહમાં શહેરમાંથી રાજકીય પાર્ટીના એક પણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ન હતા.મેયર,સાંસદ, ધારાસભ્ય વિના આ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો છે. જ્યારે,યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં ભીડ ભેગી કરવા માટે ખાસ ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા યુનિવર્સીટીના વર્તુળોમાં ચાલી હતી.