મકરપુરા GIDC ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા :
સ્ક્રેપના મેદાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હોવાનું અનુમાન :
વડોદરા : શહેર નજીક આવેલ ધનિયાવી પાસે ચિખોદરા ગામની સીમમાં આવેલા સ્ક્રેપના મેદાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ધુમાડાના ગોટે ગોટા નીકળતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા જ જીઆઇડીસી સહિતના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.જ્યારે મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. જેના કારણે તંત્ર દોડતું થયું હતું. વડોદરા શહેરના તરસાલી ધન્યાવી રોડ ઉપર સ્ક્રેપનું મેદાન આવેલું છે. જેમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા તુરંત મકરપુરા જીઆઈડીસીના ફાયર જવાનો સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. એક તબક્કે આ સ્ક્રેપના મેદાનમાં પૂઠા અને પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જ્યારે, ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સ્ક્રેપના મેદાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
સબ ફાયર ઓફિસર હિરેન દાન ગઢવીએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમથી અમને કોલ મળ્યો હતો કે, ધનિયાવી પાસે જે ચિખોદરા ગામ છે એની સીમમાં અમને ઘટના સ્થળે આવ્યા પછી ખ્યાલ આવ્યો ખરેખર તો કોલ એવો મળ્યો હતો કે સ્ક્રેપની દુકાનમાં આગ છે. પરંતુ તપાસ કરતા અહીંયા એક સ્ક્રેપનું મોટું જે મેદાન છે તે સ્ક્રેપથી ભરેલું હતું અને વિશાળ આગ હતી. જેને તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરવા માટે તૈયારી સાથે આવ્યા હતા અને ટીમે પૂરેપૂરી આગ કંટ્રોલ કરી લીધી હતી. બીજી તરફ જો નોર્મલી આગ લગાવવા માટે જો વાયરોને સળગાવવામાં આવતા હોય તો પછી ક્યાંકને ક્યાંક આગ લાગવાનું કારણ બની શકે છે, તો ખાસ કરીને આગ એવી રીતે લગાડવી ન જોઈએ અને જે પણ એ લાયસન્સ લેવા માટે પાત્ર છે એમને જરૂરી લેવું જોઈએ. જરૂરી એવી તપાસ થવી જોઈએ. આગ લાગવાનું કારણ જાણવા મળેલ નથી. જે પણ નિયમ અનુસાર લાયસન્સ લેવાનું થતું હોય તો એ જરૂરી છે અને ના હોય તેમની સામે તો કાર્યવાહી થવી જોઈએ. અહીંયા પૂરેપૂરું મેદાન છે અને તેની ઉપર સ્ક્રેપ રાખેલું છે તો નિયમ અનુસાર જે પણ લાગતું હોય એ ફરજિયાત એનઓસી લેવી જરૂરી છે અમે બે ફાયર એન્જિન સાથે કામગીરી કરી છે.