Vadodara

વડોદરા ચાર વિસ્તારોમાં નવી ગટર લાઇનના કામને પગલે રસ્તા બંધ, ડાયવર્ઝન જાહેર

તાજેતરમાં સર્જાયેલી ગમખ્વાર ઘટના બાદ તંત્ર સાબદું: સુરક્ષાના કારણોસર પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા નગરજનોને અપીલ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇનની નવી સુવિધાઓ ઊભી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ વિકાસલક્ષી કામગીરીના કારણે શહેરના મુખ્ય ચાર વિસ્તારોમાં વાહન વ્યવહાર માટે માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સુરક્ષા જાળવવા ખાસ સૂચના આપવામાં આવી છે.
વાઘોડિયા ચોકડી ખાતે નવી વરસાદી ગટર નાખવાનું કામ શરૂ થવાનું હોવાથી, આવતીકાલે તારીખ 3થી આગામી 10 દિવસ સુધી આ માર્ગ તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, આગામી સમયમાં ગોલ્ડન ચોકડી, આજવા ચોકડી અને કપુરાઈ ચોકડી ખાતે પણ તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે તે વિસ્તારોમાં પણ ટ્રાફિક ડાયવર્ઝન રહેશે.
તાજેતરમાં ગટરમાં પડી જવાથી એક નાગરિકનું કરુણ મૃત્યુ થયા બાદ કોર્પોરેશન વહીવટી તંત્ર સુરક્ષા મુદ્દે અત્યંત ગંભીર જણાયું છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ કામગીરી ઘણી ઊંડાઈ પર કરવામાં આવી રહી છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આ કામગીરી પૂર્ણ થતા શહેરની વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજની સમસ્યામાં મોટો ઘટાડો થશે તેવી આશા છે. ત્યાં સુધી નગરજનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ:
“કામગીરીના સ્થળે પૂરતી સુરક્ષા જાળવવા માટે પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવો. નાગરિકોએ પોતાની સુરક્ષા માટે બેરિકેડિંગથી દૂર રહેવું અને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.”

Most Popular

To Top