ઘરાકી ટાણે નવી લાઈટો નાખવાની નોબત આવી : વેપારીઓ ચિંતામાં મૂકાયા…
વડોદરા શહેરમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. તો ક્યાંકને ક્યાંક એમજીવીસીએલની પણ બેદરકારી છતી થઈ હતી. ત્યારે, ચાર દરવાજા વિસ્તારમાં હાઈ વોલ્ટેજના કારણે વેપારીઓને નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
વડોદરા શહેરમાં હાલમાં બે દિવસ પૂર્વે ખાબકેલા ભારે વરસાદને પગલે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેજ પવનોએ શહેરમાં રમણ ભમણ કર્યું હતું. ત્યારે, ઠેર ઠેર 200 થી વધુ વૃક્ષો , હોર્ડિંગ્સ , વીજ પોલ તૂટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવા તંત્ર કામે લાગ્યું છે. પરંતુ, બીજી તરફ એમજીવીસીએલની બેદરકારીને કારણે વેપારીઓને નુકસાન થયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી સબ ડિવિઝનમાંથી સપ્લાય થતો વીજ પુરવઠો જેમાં હાઈ વોલ્ટેજ આવતા નજરબાગ મોલની દુકાનોમાં વેપારીઓને નુકસાન થયું છે. નવી લાઈટો નાખવાની નોબત આવી છે. હાલ, તહેવારોની ભરમાર હોય એવા સમયે ઘરાકી હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ નુકસાનની જવાબદારી કોની ? હાલ વેપારીઓ ચિંતામાં મૂકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.