વડોદરા તા.5
ઉતરાયણના તહેવાર દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને ગુબ્બારાનું વેચાણ ન થાય તેના માટે સતત કાર્યવાહી કરી રહી છે તેમ છતાં કેટલાક વેપારીઓ છુપી રીતે આ દોરી સહિતની વસ્તુનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે કલાલી બ્રિજ નીચેથી અટલાદરા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ડિલિવરી આપવા ઉભેલા કરજણના શખ્સને ઝડપી પાડ્યો હતો. ચાઈનીઝ દોરીની 30 રીલ રૂ.15 હજાર, મોબાઈલ અને બુલેટ મળી રૂ.80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન કેટલાક લાલચી વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તુકકલ અને ગુબ્બારાનું ગેરકાયદે વેચાણ કરીને વધુ નફો કમાવવા માટે વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા વેપારીઓ તથા શખ્સો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. કરજણ નવા બજાર વિસ્તારમાં રહેતો કિશનસિંહ રાજેન્દ્રસિંહ અટોદરીયા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રિલ નંગ 30 ડિલિવરી આપવા માટે કલાલી બ્રિજ નીચે ગુજરાત પબ્લિક સ્કૂલની સામે વેચાણ કરવા માટે ઊભો છે. તેવી મળેલી બાતમીના આધારે અટલાદરા પોલીસે કલાલી બ્રિજ નીચેથી કિશનસિંહ અટોદરિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચાઈનીઝ દોરીની 30 રિલ ₹15 હજાર, મોબાઈલ અને બુલેટ બાઈક મળી રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.