Vadodara

વડોદરા: ગોલ્ડન ચોકડી પાસેથી કતલના ઇરાદે લઈ જવાતા 18 પશુઓને બચાવાયા…

ગોધરાથી પશુઓ ભરીને સુરતના કતલખાને લઈ જવાતા હતા, આઇસર ટેમ્પો અને પશુઓ મળી રુ. 12.41 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલાયા…
પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી 18 જેટલા પશુઓ ભરીને સુરત ખાતે કતલના ઇરાદે ટેમ્પામાં ભરીને લઈ જવાતા હતા. ત્યારે ગોલ્ડન ચોકડી પાસે આવતા પોલીસ અને જીવદયા સંસ્થાના કાર્યકરોએ પશુ ભરેલા ટેમ્પાને પકડી પશુઓને કતલખાને લઈ જવાતા બચાવી લીધા હતા. પશુઓને દરજીપુરા ખાતે મોકલી આપી ડ્રાઇવર અને એક કલીનરની ધરપકડ કરી જ્યારે પશુઓ મોકલનાર ને વોન્ટેડ જાહેર કર્યો છે. 18 પશુઓ અને આઇસર ટેમ્પો મળી રુ 12.41 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
વાઘોડિયા રોડ પર રહેતા જીવદયા સંસ્થાના અંકિતકુમાર જનકુમાર વ્યાસ સહિતના કાર્યકરો સતિષભાઇ સનાભાઇ પરમાર તથા ચેતનભાઈ મરૂતભાઈ પટેલ હાલોલ ખાતેથી કામ પતાવી વડોદરા આવતા રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડી નજીક એક આઇસર ટેમ્પો શકાસ્પદ જણાયો હતો. જેથી તેઓએ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી જેથી પોલીસ સાથે જીવદયા સંસ્થાના કાર્યકરોએ આઇસર ટેમ્પાને ઉભો રખાવ્યો હતો ત્યારે તેમાં ડ્રાઇવર અને ક્લીનર હાજર હતા. જેથી તેમને બંનેને નીચે ઉતારી પોલીસ દ્વારા ટેમ્પામાં બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતા ખીચો ખીચ દોરડા વડે બાંધેલા નાના અને મોટા મળી 18 પશુઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરતા ગોધરા રોડ ઉપર વેજલપુર ખાતે રહેતા ઈકબાલ મહોમદભાઈ ભૌચુએ ટેમ્પામાં પશુઓ ભરી આપ્યા હતા અને આ પશુઓ સુરત ખાતે ના કતલખાને લઈ જવાના હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પશુ ભરેલો ટેમ્પો દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યો હતો. 18 પશુઓ, આઇસર ટેમ્પો અને મોબાઈલ મળી રુ.12.41 લાખના મુદ્દામાલ સાથે ચાલક મોહસીન હુસેન બુમળા તથા સુફયાન રમઝાની ભોચુ (ચેખ) (બંને રહે. ગોધરા જી.પંચમહાલ) ની ધરપકડ કરી હતી જ્યારે પશુઓ સુરત ખાતે ભરી આપનાર ઈકબાલ ભોચુ (રહે. ગોધરા) અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

Most Popular

To Top