ચલાવતા ન આવડતું હોવા છતાં યુવકે ચાવી નાખી સ્ટાર્ટર માર્યુંને સ્ટેરીંગ કંટ્રોલ ન થતા ટેમ્પો શ્રમજીવી પરિવાર પર ચડાવી દીધો, ગંભીર રીતે ઘવાયેલા 4 લોકોને સારવાર માટે ખસેડાયા

વડોદરા તા.5
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે ઊંઘી રહેલા શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચાલકે ચઢાવી કચડી નાખતા નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતના પગલે એક પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોરવા પોલીસે ચાલક અને ટેમ્પાના માલિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ આણંદ જિલ્લાના અને હાલમાં ગોરવા વિસ્તારમાં શાક માર્કેટ પાસે રહીને છૂટક મજૂરી કરતા લાલાભાઈ મહેબુબભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે કે 4 ડિસેમ્બરના રોજ 21:30 વાગ્યાના સુમારે અમે પરિવાર સાથે ગોરવા સાક માર્કેટની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં સુતા હતા. તે વખતે એક ફોરવીલ ટેમ્પોના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પિતા મહેબુબ ભાઈ, મારી બેન પુજા, દીકરી રિયા તથા સાવન મકવાણા ઉપર ચડાવી દેતા તમામને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તમામને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ટેમ્પો ચાલકે પોતાની સાથે આવેલા એવા યુવાનને ટેમ્પોની ચાવી આપી હતી. જ્યારે કે તેને ડ્રાઈવિંગ આવડતું જ નહોતુ અને તેણે ટેમ્પો ચાલુ કરતાં જ શ્રમજીવી પરિવારમાંના ચારેય સભ્યોને કચડી નાખ્યા હતા. ટેમ્પો ચલાવનાર પાસે લાઈસન્સ પણ ન હતુ. આ ઘટના બાદ ગોરવા પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલક તેમજ બીજા યુવકની અટકાયત કરી છે. સ્થાનિક રહેવાસી તોસીફ પઠાણ સહિત વિસ્તારના લોકોને આ ઘટના બાબતે જાણ થતાં જ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા હતા. શ્રમજીવી પરિવરની મદદ સાથે ન્યાય મળશે તેવી માંગ કરી છે. તોસીફ પઠાણે જણાવ્યું હતું કે, ગોરવા શાક માર્કેટ પાસે એક ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્યાં ફૂટપાથ પર સૂતેલા એક આખા પરિવારને કચડી નાખ્યો હતો. જેમાં એક બાળક અને એક મહિલા સહીત 4 લોકોને ઇજાઓ થતા ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ટેમ્પો ચાલકે સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.