Vadodara

વડોદરા : ગોત્રી ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ઠાલવવા મામલે સ્ટર્લીંગ હોસ્પિટલને નોટિસ અપાશે

જીપીસીબી અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર સુપ્રત કરશે :

મેડિકલ વેસ્ટ ફેંક્યા બાદ અહીં રખડતા કૂતરાઓએ કેટલોક સામાન વેરવિખેર કર્યો હતો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ઠાલવવા મામલે સ્ટર્લીંગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગંભીર બેદરકારી મામલે હોસ્પિટલ સંચાલકોને નોટિસ આપવામાં આવશે. જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ અલગથી અહેવાલ તૈયાર કરી ગાંધીનગર મોકલ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના કોર્પોરેશનના બગીચામાં ગઈકાલે સાંજના સમયે મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. એક કાળા કલરની બેગમાં આ મેડિકલ વેસ્ટ ફેંક્યા બાદ અહીં રખડતા કૂતરાઓએ કેટલોક સામાન વેરવિખેર કર્યો હતો. જે બાદ આ મેડિકલ મેડિકલ વેસ્ટ હોવાનું જણાઈ આવ્યું હતું.

જે અંગેની ફરિયાદ પાલિકાને મળતા પાલિકાના અધિકારીઓએ આ મામલે તુરંત જીપીસીબી અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ અહીં દોડી આવ્યા હતા. તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, આ મેડિકલ વેસ્ટ પાલિકાનો જ ડોર ટુ ડોર ઈજારાનો કોઈ ડ્રાઇવર નાખી ગયો હોઈ શકે. સમગ્ર ઘટના મામલે એવું જાણવા મળ્યું હતું કે, મેડિકલ વેસ્ટમાંથી સ્ટર્લીંગ હોસ્પિટલની કેટલીક સ્લીપો પણ મળી આવી હતી. જેના આધારે મેડિકલ વેસ્ટ સ્ટર્લીંગ હોસ્પિટલનો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું હતું.

આ મામલે વોર્ડ ઓફિસરે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના મામલે નોટિસ બજાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગ પણ અલગથી કાર્યવાહી કરી શકે છે. તો જીપીસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના મામલે અમે ગાંધીનગર વડી કચેરી ખાતે આજ સાંજ સુધી રિપોર્ટ મોકલી આપીશું. જેના આધારે વડી કચેરીથી નોટિસ ઇસ્યૂ કરવા સહિતની આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top