વડોદરા તા.4
માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે ગજાનંદ હાઇટ્સ ગ્રુપ-02 ખાતે સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરવા સાથે ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યાજખોરને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપરવાઇઝર ની પત્ની પણ વ્યાજનો ધંધો કરતી હોય તેને પણ પકડી લેવામાં આવી છે. વ્યાજખોર દંપતિ પાસેથી પાસેથી ડેઇલી કલેક્શનના કાર્ડ પોલીસે કબ્જે કર્યા હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો ધંધો કરતા વ્યાજખોરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. પહેલા ઓછા ટકે રૂપિયા આપવાનું કહીને પાછળથી વ્યાજનો દર વધારીને લોકોનો આર્થિક રીતે શોષણ કરતા હોય છે. ઉપરાંત વ્યાજ અને મૂડીની પઠાણી ઉઘરાણી કરીને ધમકીઓ પણ આપતા હોય છે. જેના પર વડોદરા શહેર પોલીસે સખત રીતે સપાટો બોલાવ્યો છે. જેમાંથી કેટલાક વ્યાજખોરોને તો જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ કેટલાક વ્યાજખોરો ગેરકાયદે નાણા ધીરધારનો ધંધો કરી રહ્યા છે. વડસર રોડ પર જીઆઇડીસી પાણીની ટાંકી સામે આનંદનગર 02 માં રહેતા ચિરાગકુમાર કમલેશભાઈ નાગરે ફરિયાદ નોંધાવી હતી કે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા અમિત અનિલ જયસ્વાલ (રહે. સ્વાતિ સોસાયતી વિભાગ-02, સનસીટી સર્કલ પાસે, માંજલપુર, વડોદરા શહેર) તથા પ્રેમલતાબેન અમિત જયસ્વાલ ગેરકાયદે નાણા ધીરધારનો ધંધો કરે છે. જેથી માંજલપુર પોલીસે સિક્યુરિટી સુપરવાઇઝર ની આડમાં વ્યાજનો ધંધો કરતા અમિત જયસ્વાલ અને તેની પત્નીને ઝડપી પાડ્યા હતા. પોલીસે દંપતિ તપાસ કરતા તેમની પાસેથી ડેઇલી કલેક્શનના કાર્ડ પણ મળી આવતા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
