કુમકુમ તિલક પુષ્પ વર્ષા અને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી :
વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર વિવિધ આયોજન કરાયા :



( પ્રતિનિધિ )વડોદરા,તા.27
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે બાળકોને કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત શિક્ષણ બોર્ડની આજથી શરૂ થનારી પરીક્ષામાં ધોરણ 10 અને 12ના કુલ 68508 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10ના 153 પરીક્ષા સ્થળોના 1522 બ્લોકમાં 43,873 વિદ્યાર્થી અને ધો.12 ના સા.પ્રવાહમાં 62 પરીક્ષા કેન્દ્રના 568 બ્લોકમાં 18,128 વિદ્યાર્થી અને વિજ્ઞાન પ્રવાહમાં 37 પરીક્ષા કેન્દ્રના 334 બ્લોકમાં 6,507 મળી HSCમાં કુલ.24635 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત સેન્ટ્રલ જેલમાંથી પણ 10 કેદી વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વડોદરા શહેરના હરણી વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ગુરુકુળ વિદ્યાલયમાં પણ પરીક્ષા આપવા માટે આવતા તમામ વિદ્યાર્થીઓનું શાળામાં પ્રવેશતા કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મો મીઠું કરાવી તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.