ફેબ્રુઆરી મહિનામાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન, વડોદરા દ્વારા શ્રીમદ ભાગવત કથા તેમજ સર્વજ્ઞાતિ સમૂહ વિવાહનું કરાયું આયોજન
વડોદરાના સમા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાનમાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન, વડોદરા દ્વારા પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથા તેમજ 108 નવયુગલોના સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ લગ્નનું આયોજન કરાયું છે. કથા 24 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે જે 3 માર્ચ 2025 સુધી સુધી ચાલશે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રુકમણી વિવાહના છઠ્ઠા દિવસે એટલે કે 1 માર્ચ 2025 ના રોજ થનાર છે.
મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી શ્રી 1008 શ્રી રામબાલકદાસ જી મહારાજના સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામીવિદ્યાનંદજી મહારાજના આશીર્વાદથી વૃંદાવનના સુપ્રસિદ્ધ કથાકાર આચાર્ય સતીશચંદ્રજી પારાશરના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા ભક્તો સાંભળશે. 24 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગે ન્યૂ સમા રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી કથા સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં 1100 કળશ સાથે મહિલાઓ જોડાશે. તેમજ મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો પણ શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં બગ્ગી, ઘોડા જોડાશે. તેમજ વિવિધ વેશભૂષા સાથે નાના બાળકો તેમજ અન્ય કલાકારો પણ જોડાશે. ઢોલ તાશ, તેમજ ડીજે સાથે શોભાયાત્રા નીકળશે.
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા તમામ નવયુગલો કે યુવક યુવતીઓને 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. સમૂહ લગ્નમાં ઘરવકરી, કપડા, વાસણ, પંખા, મંગળસૂત્ર, સોનાનું નાકનો કાંટો, ઓવન, પાણીનો જગ, સિલાઈ મશીન, ચાંદીની પાયલ, લગેજ બેગ, કન્યા માટે ચણિયાચોળી, વર માટે સૂટ સહિત 50 થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.
સમૂહ લગ્નમાં પહેલીવખત નવયુગલ દંપતીના લગ્ન ટકે તે માટે જે દંપતી 1000 દિવસ સુધી સાથે રહેશે અથવા તેમને એક બાળક થશે તો તેવા દંપતીને આયોજકો તરફથી 21000 રૂપિયાની બેંકમાં એફડી કરી આપવામાં આવશે. લગ્ન જીવનમાં વધી રહેલા ભંગાણને જોતા આયોજકોએ આ નિર્ણય લીધો છે. તેમજ નવયુગલોને સરકારની વિવિધ સહાય પણ મળી રહે તે માટે સંસ્થા મદદરૂપ થશે. સમૂહ લગ્ન માટે માત્ર 2100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 108 નવયુગલોના લગ્ન કરાવવામાં આવશે.
શ્રીમદ ભાગવત કથા અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના મુખ્ય સંયોજક મહેન્દ્રભાઈ ગોયલ છે. જ્યારે સંસ્થામાં તેમની સાથે ભાગચંદ અગ્રવાલ, દેવકીનંદન અગ્રવાલ, મોહીત અગ્રવાલ, ભરત અગ્રવાલ, પપ્પુ અગ્રવાલ, ભગવાનદાસ અગ્રવાલ, રવિ અગ્રવાલ, બલદેવ અગ્રવાલ સહિત 500 થી વધુ લોકો જોડાયેલા છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના સ્થળે તમામ દિવસ આવનાર ભક્તો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, આંખનું કેમ્પ તેમજ ચશ્મા વિતરણ, બ્લડ તેમજ હેલ્થ ચેકઅપ રિપોર્ટ પણ કરવામાં આવનાર છે.
ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનને મેયર પિન્કીબેન સોનીએ વિનામૂલ્યે મેદાન ફાળવ્યું છે તેમજ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજયભાઈ શાહ, વોર્ડ 2ના સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા તમામ રીતે મદદરૂપ થવાની આયોજકોને ખાતરી આપી છે.