રહીશોની જાણ બહાર તરસાલી પલાસ હાઇટસની બિલ્ડિંગ પર બિલ્ડરોએ રૂ.6 કરોડના લોન લીધી
ગીરીરાજ ડેવલોપર્સના બિલ્ડર દ્વારા કરાયેલી ઠગાઇના મામલે રહીશોની પોલીસ કમિશરને રજૂઆત
ઠગ બિલ્ડરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી
પ્રતિનિધિ વડોદરા તા.2
ગીરીરાજ ડેવલોપર્સ બિલ્ડરો દ્વારા તરસાલી વિસ્તારમાં પલાસ હાઇટ્સની સ્કિમ બનાવી હતી. જેમાં ઘણા લોકોએ મકાનો ખરીદ કર્યા હતા. પરંતુ આ મહિલા બિલ્ડર સહિતન સાગરીતોએ ભેગા મળીને સ્થાનિક લોકોની જાણ બહાર પાદરા એસબીઆઇમાંથી 6 કરોડની મોર્ગેજ લોન લીધી હોય હાલમાં એનપીએ બતાવી છે. બેન્ક દ્વારા બિલ્ડરને નોટિસ પણ મોકલી હોય આગામી દિવસોમાં આખેઆખી પલાસ હાઇટ્સની બિલ્ડિંગ જપ્તી કરાય તો નવાઇ નહી. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક લોકોએ ભેગા મળીને પોલીસ કમિશનરને રજૂઆત કરીને બિલ્ડરો સામે ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગણી કરી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં કેનાલ રોડ પર અક્ષર સ્કૂલ પાસે ગીરીરાજ ડેવલોપર્સના બિલ્ડર ચિરાગ શાહ, મૃણાલી શાહ તથા મોનાર્ક શાહ દ્વારા સહિતના મળતીયાઓ દ્વારા શ્રી ગીરીરાજ પલાસ હાઇટ નામની સ્કીમ લોન્ચ કરી હતી. જેમાં આ બિલ્ડર દ્વારા 94 યુનિટની સ્કિમ આવતા 67 મકાનોનું બાંધકામ કર્યું હતું. જેમાં ઘણા ગ્રાહકો દ્વારા પોતાના મહામુલી ભેગી કરેલી રકમ દ્વારા મકાનો ખરીદ કર્યા હતા. પરંતુ ગીરીરાજ ડેવલોપર્સના મહિલા બિલ્ડર અને પુત્ર સહિતના મળતીયાઓ દ્વારા એક મકાનનો દસ્તાવેજ કરીને ત્રણથી ચાર ગ્રાહકોને વેચાણ કરીને રૂપિયા પડાવી લીધા હતા. બીજી તરફ સોસાયટીના રહીશોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બિલ્ડર દ્વારા પલાસ હાઇટ્સની સ્કિમને વર્ષ 2019માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાં પાદરા શાખામાંથી રૂ.6 કરોડની રૂપિયાના પ્રોજેકટ લોન લઇને બેન્કમાં મોર્ગેજ કરાવી હતી. જેથી બેન્કમાં તપાસક કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે પલાસ હાઇટ્સ સ્કિમ પર એસબીઆઇ પાદરામાંથી લીધેલી લોન પણ એનપીએ થઇ ગઇ છે. બેન્ક દ્વારા વર્ષ 2021માં પજેશન મેળવવા માટે બિલ્ડરને નોટિસ મોકલી હતી. જેથી બેન્ક દ્વારા વર્ષ 2024માં ફ્રોડ જાહેર કરી કોર્ટમાંથી પજેશન માટે હુકમ આપી દીધો હોય પલાસ હાઇટ્સના મકાનો કાયદેસર રીતે જપ્તી કરવામાં આવશે. જેના કારણે સ્થાનિક લોકોને ઘર વિણોહા થવાનો વારો આવે તેમ છે. જેથી સ્થાનિક લોકો દ્વારા 2 જુલાઇના રોજ પોલીસ પોલીસ કચેરી ખાતે પહોંચી પોલીસ કમિશનરે રજૂઆત કરી હતી અને ઠગ બિલ્ડરો સહિતના સાગરીતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે.
- બિલ્ડર સાથે કૌભાંડમાં બેન્ક તથા કોર્પોરેશનના અધિકારીઓ સામેલ હોવાના સ્થાનિકોનો આક્ષેપ
ગીરીરાજ હાટ્સના બિલ્ડર દ્વારા લોકોના મકાનો પર તેમની જાણ બહાર બેન્કમાંથી મોર્ગેજ લોન કરાવીને ઠગાઇ આચરી છે. ત્યાં આ કૌભાંડમાં બિલ્ડરો સાથે બેન્કના અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ પણ સામે હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા વહેલીતકે બિલ્ડરના કૌભાંડનો પર્દાફાશ કરાય તેના માટે સ્થાનિકો વિવિધિ વિભાગમાં રજૂઆત કરવા દોડાદોડ કરી રહ્યા છે.