વડોદરા તા.28
વડુ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા રાજુપુરા ભોજ કેનાલ પાસેથી ગાંજાનો જથ્થો લઈને એક શખ્સ બાઇક પર ડિલિવરી આપવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે વોચ ગોઠવીને કેરિયરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 19 હજારનો રૂ. 1.920 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જ્યારે કેરિયરને ગાંજો આપનાર છોટાઉદેપુરના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરા-ફેરી મોટાભાગે થતી રહેતી હોય છે. નવા એસ પી સુશીલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ નશીલા પદાર્થોનું વેચાણ કરનાર કેરિયર અને પેડલરો સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ ગ્રામ્ય એસઓજી પોલીસે સિનોરના મીંઢોળ તથા વડોદરાના વરણામા ગામેથી ગાંજો અને ગાંજાના છોડ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. 27 ઓગસ્ટના રોજ એસઓજી પોલીસની અલગ-અલગ ટીમો વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે વિમલ કાંતી પટેલ (રહે.જલાલપુરા ગામ, મંદિર વાળુ ફળીયુ,તા.પાદરા જી.વડોદરા) રાજુપુરા ભોજ નર્મદા કેનાલ ઉપર થઇને બાઈક લઇને ગાંજાની ડીલીવરી આપવા નિકળ્યો છે. જેના આધારે એસઓજી ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમ્યાન વિમલ પટેલ બાઈક લઈને આવતા ગ્રામ્ય એસ ઓ જી પોલીસે તેને ઉભો રાખ્યો હતો. તેની તલાસી લેતા તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે વિમલ પટેલની ધરપકડ કરી ગાંજો આપનાર જીગો ઉર્ફે લાલો રાઠવા (રહે. છોટાઉદેપુર)ને વોન્ટેડ જાહેર કર્યો છે. કેરિયર પાસેથી રૂ. 19 હજારનો 1.920 કિલોગ્રામ ગાંજો, બાઈક રૂપિયા 35 હજાર અને મોબાઈલ રૂપિયા 5 હજાર મળી રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.