સુરેશના ઘરમાં રક્ષિત અને પ્રાંશુ પોણો કલાક રોકાયાં, ત્યાંથી ત્રણે જણા પાર્ટી કરીને છૂટા પડ્યા હતા ?
પ્રતિનિધિ વડોદરા તા.16
કારેલીબાગ વિસ્તારમાં ચકચારી રક્ષિત કાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પોલીસે સીસીટીવી ચેક કરતા કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ ખાતે રહેતા તેના મિત્રના ઘરે રક્ષિત ટુ વ્હીલર તથા પ્રાંશુ વોક્સ વેગન કાર લઇ આવે છે. ત્યારે ત્રણ મિત્રો સુરેશના ઘરમાં પોણો કલાક સુધી રોકાય છે, ત્યારે શુ ત્રણ જણાએ મિત્રના ઘરમાં કોઇ પાર્ટી કરી હતી અને ત્યારબાદ તેઓ ઘરની બહાર નીકળ્યા હતા ? તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યાંથી નીકળી પ્રાંશુને ડ્રાઇવિંગ સીટ પરથી હટાવીને રક્ષિત કાર ચલાવવા લાગ્યો હતો અને ઓરવસ્પીડમાં કાર દોડાવી વિનાશ વેર્યો હતો.
મૂળ વારાણસીનો યુવક રક્ષિત ચોરસીયા નિઝામપુરા વિસ્તારમાં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહીને એમ એસ યુનિ.માં કાયદાનો છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરે છે. દરમિયાન 13 માર્ચના રોજ હોળીના રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ રક્ષિત ચોરસીયા મોપેડ લઇને સુરેશ ભરવાડના ઘરે ગયો હતો. ત્યારબાદ બાદ રાત્રીના સમયે ભાયલી ખાતે રહેતો રક્ષિતનો મિત્ર પ્રાંશુ તેના પિતાની ફોક્સ વેગન કાર લઇને સુરેશના ઘરે આવ્યો હતો. લગભગ રક્ષિત અને પ્રાંશુએ સુરેશ ભરવાડ સાથે તેના ઘરમાં પોણો કલાક સુધી રોકાયા હતા. ત્યારે ત્રણ જણા ઘરમાં જતા હોય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. શું રક્ષિત અને પ્રાંશુએ સુરેશના ઘરમાં પાર્ટી કરી હતી ? ત્યારબાદ રક્ષિત ચોરસીયા તથા પ્રાંશુ ચૌહાણ ત્યાંથી કારમાં ઘરે પરત જવા માટે નીકળ્યા હતા. સુરેશ ના ઘર પાસે પહેલા પ્રાંશુ ચૌહાણ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. પરંતુ રક્ષિત ચોરસિયા તેને હટાવી દીધો હતો અને પોતે કાર ચલાવવા માટે બેસી ગયો હતો. ત્યારબાદ તેઓ ગધેડા માર્કેટ પાસેથી નિઝામપુરા જવા માટે નીકળ્યા હતા. ત્યારે શરૂઆતમાં કાર પૂરઝડપે દોડાવી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સંગમ પસાર કર્યા બાદ પણ તેણે સ્પીડ ઓછી કરી ન હતી અને આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેના રોડ પર ત્રણ મોપેડ સવારને અડફેટે લીધા હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતુ જ્યારે મૃતક મહિલાના પતિ સહિત સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

– રક્ષિતે પોતાના ભાડાના મકાનમાં અનધર રાઉન્ડ લખેલી ફ્રેમ લગાવી
રક્ષિત ચોરસિયા અકસ્માત કર્યા બાદ કારમાંથી બહાર દોડી આવીને નિકિતાઝ અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ તેવી જોરજોરથી બુમો પાડવા લાગ્યો હતો. પોલીસે નિકિતા અને અધનર રાઉન્ડ કોકડુ ઉકેલવા માટે તેના રિમાન્ડ વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. ત્યારે આ નિકિતા કોણ તેને લઈને રહસ્ય સર્જાયુ છે. રક્ષિતના ગાયત્રી એપાર્ટમેન્ટમાં તેનું મોપેડ મળી આવ્યું હતું. જેમાં માત્ર આગળની નંબર પ્લેટ છે પાછળ નથી. રક્ષિત કાયદાનો અભ્યાસ કરતો હોવા છતાં પોતાના મોપેડ પર પાછળની નંબર પ્લેટ નહી લગાવી કાયદાનો ભંગ કર્યો છે. ગાયત્રી એપાર્ટમેન્ટના ત્રીજા માળે 303 નંબરના મકાનના દરવાજા પર તાળું લટકેલુ છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રક્ષિતે 15 ફેબ્રુઆરીના રોજ મકાન ભાડે રાખ્યું હતું. પરંતુ રક્ષિત મકાનમાં રોકાતો નથી. શરૂઆતમાં તો 20 દિવસ તો તે ઘરે પણ નહોતો આવ્યો. ટુ બીએચએકને મકાનનું ભાડું રૂ.7500 છે. રક્ષિતે પોતાના ભાડાના મકાનમાં અનધર રાઉન્ડ લખેલી એક ફોટો ફ્રેમ લગાવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અનધર રાઉન્ડ હોલીવુડની ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ચાર મિત્રોની કહાની છે કે જેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે તેમના લોહીમાં આલ્કોહોલનું સતત સ્તર જાળવી રાખવાનો પ્રયોગ કરે છે.
– રક્ષિત જે યુવતીનું નામ બોલ્યો હતો તે નિકિતાને નિવેદન માટે બોલાવાશે
આરોપી અકસ્માત કર્યા બાદ નિકિતાઝ અનધર રાઉન્ડ અને ભગવાનનું નામ લેવા લાગ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તેણે જે યુવતીનું નિકિતાનું નામ લીધુ હતું તે નિકિતાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. આગામી દિવસોમાં તેને શોધીને નિવેદન માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે.
– પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા સીસીસીટી કેમેરા ચેક કરાયાં
ચકચારી રક્ષિત કાંડની ઘટના બાદ કારેલીબાગ પોલીસ સહિતના ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. જેમાં વિવિધ ટીમો અત્યાર સુધી કાર ક્યાંથી નીકળી હતી અને કયા રૂટ પર ફરી હતી તેના માટે અલગ અલગ વિસ્તારના 20 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે તમામ ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
– રક્ષિત ચોરસીયા રિમાન્ડ પર છતાં તેની ટણી ઉતરતી નથી, મેરા વકીલ આપકો જવાબ દેંગા
પોલીસ દ્વારા રક્ષિત ચોરસીયાના એક દિવસના રિમાન્ડ બાદ વધૂ પૂછપરછ કરવા માટે બે દિવસના ફર્ધર રિમાન્ડ મેળવ્યા છે. પરંતુ હજુ રક્ષિત ચોરસીયાની ટણી ઉતરતી નથી. પોલીસને પૂછપરછ દરમિયાન પણ સહકાર આપતો નથી. પોલીસ દ્વારા આરોપીને સવાલ કરવામાં આવે છે પરંતુ ત્યારે પહેલા તો તે મુંઝાઇ જાય છે અને વિચાર કરીને બે કલાક બાદ પોતાની ટણીમાં જવાબ પણ આપે છે, કે મેરે સે મત પૂછો મેરા વકીલ આપકો જવાબ દેગા તેવું જણાવી રહ્યો છે.
