( પ્રતિનિધી )વડોદરા,તા.18
વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી.શહેરના 8 જેટલા કુત્રિમ તળાવોમાં રાત્રીના 11 વાગ્યા સુધી 11,544 પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.ત્યારે હવે વિસર્જન બાદ પાલિકા તંત્ર કામે લાગ્યું છે.શહેરના નવલખી સહિતના કુત્રિમ તળાવોમાં સાફસફાઈ હાથ ધરવામાં આવી છે.
ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં દસ દિવસ સુધી શ્રીજીએ આતિથ્ય માણ્યું હતું. ગતરોજ વહેલી સવારથી જ વિવિધ મંડળો અને ભક્તોએ પોતાના ઘરોમાં સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરના કુત્રિમ તળાવો ખાતે કર્યું હતું. જ્યારે કેટલાકે ઈકો ફ્રેન્ડલી વિસર્જન કર્યું હતું. વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા 10 હજાર કરતા વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.
મંગળવારે વિસર્જનના દિવસે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું. સાવરથી શહેરના વિવિધ કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ હાથધરી હતી. તળાવોમાંથી સાફ સફાઈ કરી વિવિધ પાલિકાના વાહનો મારફતે જાંબુઆ ડંપિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સફાઈ સેવકો કામગીરીમાં જોતરાયા છે.