Vadodara

વડોદરા : ગણપતિની શોભાયાત્રામાં ઉશ્કેરણી જનક ગીતો નહીં વગાડવાનું કહેતા યુવક મંડળના સભ્યો પર હુમલો

ગોત્રી વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં અન્ય ગ્રુપને નીચું દેખાડવાનો પ્રયાસ
પ્રતિનિધિ વડોદરા તા.7
ગોત્રી વિસ્તારમાં ગણપતિની શોભાયાત્રામાં ડીજે પર અન્ય ગણેશ મંડળના યુવકોને નીચું દેખાડવા માટે બાપ તો બાપ હોતા હૈ, સિંહ તો સિંહ કહેવાય જેવા ઉશ્કેરણીજનક ગીતો નહીં વગાડવાનું કહેતા આ મંડળના યુવકો સહિત ચારથી પાંચ લોકો પર અન્ય ગ્રુપના યુવકોએ હુમલો કર્યો હતો. જેમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઠ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અયોધ્યા નગરમાં રહેતા વિજય રાજુભાઈ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મકરપુરા વિમલ ફાયરની સામે અશોક જીએનએક્સટી ફાર્મા દવાની એજન્સીમાં સેલ્સમેન તરીકે નોકરી કરું છું. 6 સપ્ટેમ્બરના રોજ હું તથા મારા મિત્ર વિક્રમ નારાણભાઈ ધનાવડે તથા હિતેશ મનુભાઈ જાળિયા તથા અમારા અયોધ્યા કા રાજા યુવક મંડળના સભ્યો રાત્રીના પંડાલ આગળ સ્થાપનાની તૈયારી કરતા હતા. તે વખતે રાત્રીના આધારે સાડા બારેક વાગે ગોત્રી ગોકુળનગર ચિંતામણી કિંગ યુવક મંડળ ગ્રુપના ગણપતિની શોભાયાત્રા અમારા પંડાલ આગળથી નીકળતી હતી. તે વખતે ડીજેમાં બાપ તો બાપ રહેગા તેમજ સિંહ તો સિંહ કહેવાય તેવા ગીતો વગાડતા હતા તથા માઈકમાં સબ લોક દેખ રહે ઔર કુછ કર નહી પા રહે હે તેમજ ઓપન ચેલેન્જ હે જો કરના હૈ વો આ જાયે તથા ચિંતામણી ગ્રુપ કે આગમન મે નહી હમારી મુર્તી તૂટતી કે નહી બારીશ હોતી હે તેવું બોલતા હતા. જેથી અયોધ્યા કા રાજા યુવક મંડળના તેજશ સોનેરા તથા મીહીર સોનેરાએ વાતચીત કરતા તેઓ ડીજે ઉપર જઈ ઉશકેરણી કરતા ગીતો નહિ વગાડવાનું જણાવ્યુ હતું. આવા ગીતો નહિ વગાડવા કહેતા તેઓ ટી શર્ટ કાઢી ડીજેમાં નાચી અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે વખતે અક્ષિતરાજ, શ્લોક શાહ તથા સુનીલ કોલેકર આવી ગંદી ગાળો બોલી પુનમ માળીએ તેના હાથમાં પહેરેલું લોખંડનું કડુ મને કપાળ ઉપર મારી દીધુ હતું. જેથી મને લોહી નીકળતા મે બૂમાબૂમ કરતા મારા મમ્મી મીનાબેન રાજુભાઈ શર્મા, પિતા રાજુભાઈ, મિત્ર વિક્રમ પળાવડે અને હિતેશ જાડીયાએ આવી મને છોડાવવા વચ્ચે પડતા પુનમ માળી, ભરત ઉર્ફે મધિયો મકવાણા અને ગણેશ ચિતેએ ત્રણેયને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગ્રુપ દ્વારા ઝઘડો અમારા અયોધ્યા કા રાજા યુવક મંડળના ગણપતિને નીચા દેખાડવાના ઈરાદે કૃત્ય આચર્યું છે.પોલીસે તેજશ સોનેરા મિહીર સોનેરા, અક્ષિતરાજ, શ્લોક દિપલ શાહ, સુનિલ કોલેકર, ગણેશ ચિતે, પુનમ માળી, ભરત ઉર્ફે મધિયો મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top